ગાગોદર CHCમાં તબીબ ન હોવાથી અકસ્માતમાં ઘાયલ યુવાનનું મોત

રાપર તાલુકાના ગાગોદર નજીક ટ્રેક્ટર અડફેટે ઇજા પામેલા યુવાનને સેવાભાવી યુવાનો સીએચસી સારવાર માટે તો લઇ આવ્યા પરંતુ સીએચસીમાં તબીબ અને સ્ટાફ ગેરહાજર હોતાં ઇમરજન્સી સેવા 108ને જાણ કરાઇ હતી પરંતુ એમ્બ્યુલન્સ પહોંચે અને સારવાર માટે ભચાઉ ગાંધીધામ ખસેડે તે પહેલાં યુવાને દમ તોડી દીધો હતો. આ બનાવ બાદ લોકોએ વિરોધ દર્શાવ્યો હતો અને આ સમસ્યાનો તાત્કાલિક હલ લાવવા માંગ કરી હતી.ગત સાંજે ટગા ગામના ઉંમર જુમાભાઇ હિંગોરજા પોતાનું બાઇક લઇને જઇ રહ્યા હતા ત્યારે ગાગોદર પાસે જ સર્વિસ રોડ ઉપરથી હાઇવે પર આવી રહેલા ટ્રેકટર ચાલકે તેને અડફેટે લેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સમયે ત્યાં હાજર ગાગોદર ગામના યુવાનો ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ સારવાર માટે ગાગોદર સીએચસી લઇને આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ ઉપર કોઇ તબીબ કે સ્ટાફ પણ હાજર ન હોવાને કારણે 108 ઇમરજન્સી સેવાને કોલ કર્યો હતો. પરંતુ ગંભીર ઇજાઓમાં તાત્કાલીક સારવાર ન મળતાં આ ઇજાગ્રસ્ત યુવાને દમ તોડ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને લઇ આવનાર ગામના રામાભાઇ ભરવાડ અને ગુગાભાઇ રાજાએ રોષ સાથે જણાવ્યું હતું કે, ગાગોદર હાઇવે ઉપર આવેલું ગામ છે અને અહીં અવાર નવાર નાના મોટા અકસ્માતો થતા રહેતા હોય છે પણ અનેક વખત તબીબ અને સ્ટાફની ગેરહાજરીને કારણે સારવાર માટે બીજે ખસેડવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે , તો સમયસર સારવાર ન મળવાને કારણે જીવ ગયા હોવાના પણ દાખલા બને છે ત્યારે હવે ગાગોદર સીએચસીમાં કાયમી રહે તેવા તબીબ તથા સ્ટાફને મુકવા રોષ સાથે માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે.