વાગડ પંથકમાં મર્ડર, લુંટ જેવી ઘટનાઓ આમ બની છે. અગાઉ અનેક કિસ્સાઓએ ભારે ચર્ચા જગાવી છે ત્યારે મંગળવારે રાપર તાલુકાના નવાપરા ગામે પરિણિત પ્રેમિકાએ પોતાના આદિપુરના પ્રેમીને રાત્રે ઘરે બોલાવી માતા-પિતા અને ભાઇ સાથે મળી ઢીમ ઢાળી દેતા ચકચાર મચી હતી. રાપર પોલીસ મથકે પ્રેમિકાના માતા, પિતા અને ભાઇ સામે હત્યાની કલમ તળે ગુનો નોંધાયો હતો, તો પ્રેમિકા અને તેની માતા પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.મૃતક દિનેશભાઇ હવશીભાઇ દેવીપુજક (ઉ.વ.36) આદીપુરમાં શાકભાજીનો વેપાર કરતો હતો. આરોપી મમતાબેન નરેશભાઇ ભાટીયા (વાણંદ)ના લગ્ન પણ આદીપુર થયા હતા ત્યારે બંને વચ્ચે પરીચય થયો હતો. મમતાબેન પોતાના માવતર રાપર તાલુકાના નવાપરા ગામે રહેતી હતી. મમતાબેને સોમવારે સાંજે દિનેશને પોતાના ઘરે બોલાવ્યો હતો. ઘરે બોલાવ્યા બાદ પ્રેમિકા જ ઘાતક પુરવાર થઇ હતી. મમતાએ પોતાની માતા, ભાઇ અને પિતા સાથે મળી દિનેશને માથાને ભાગે બોથડ પદાર્થ ફટકારી ઢીમ ઢાળી દીધુ હતું. રાપર તાલુકાના નાનકડા એવા નવપરા ગામે હત્યાનો બનાવ વહેલી સવારે પ્રકાશમા આવતા ચકચાર મચી હતી. પોલીસ પહોંચી પીએમ સહિતની તજવીજ હાથ ધરી હત્યારાઓ સામે હત્યાની કલમો તળે ગુનો નોંધ્યો હતો. મમતાબેન અને તેની માતા પોલીસની હાથવેંતમાં હોવાનું તપાસનીશ રાપર પોલીસ મથકના અધિકારી વાય. ડી. ઝાલાએ જણાવ્યું હતું.દિનેશ અને મમતાબેન વચ્ચે શાકભાજીના વ્યવસાય સમયે પરીચય થયા બાદ સબંધો ઘાઢ બન્યા હતા. પરિણિત પ્રેમીયુગલો પોતાના પરિવારને મુકી દોઢ વર્ષ પૂર્વે કચ્છ બહાર પલાયન થઇ ગયા હતા. નવેક માસ બહાર રહ્યા બાદ તેઓ પરત આદીપુર આવી ગયા હતા. આદીપુર આવ્યા બાદ મમતાબેન પોતાના માવતરે ચાલી ગઇ હતી. દોઢેક માસથી તેઓ પોતાના માવતરે રહેતી હતી અને દિનેશને અવાર નવાર પોતાના ઘરે મળવા બોલાવતી હતી.સોમવારે સાંજે મમતાએ પોતાના પ્રેમી દિનેશને મળવા ઘરે બોલાવ્યા બાદ માતા-પિતા અને ભાઇ સાથે મળી તેનું ઢીમ ઢાળી દીધુ હતું. મમતા અને તેની માતા પોલીસના હાથવેંતમાં હોવાનું પોલીસે જણાવ્યુ હતું જયારે મમતાનો ભાઇ અને પિતા રફુચક્કર થઇ જતા તેને પકડવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.