ગઈકાલે એકાએક કચ્છનું હવામાન પલ્ટી ગયું હતું અને બરફ વર્ષા થઈ હતી. જોકે, બરફ વર્ષાને પગલે સમગ્ર કચ્છમાં શીત લ્હેર ફરી વળી છે. એકાએક તાપમાન નીચુંઙ્ગ જતાં ઠંડી વધી છે. કચ્છમાં શિયાળાની સાથે ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. જિલ્લાના ૧૦ પૈકી ૬ તાલુકાઓ રાપર, ભચાઉ, લખપત, નખત્રાણા, માંડવી અને ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં બરફ વર્ષા થઈ હતી. સતાવાર આંકડાઓ પ્રમાણે રાપર, ભચાઉમાં એક ઇંચ જયારે ભુજમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. પણ, ગ્રામ્ય વિસ્તારના આગેવાનોના જણાવ્યા પ્રમાણે છૂટો છવાયો દોઢ થી અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જોકે, ભુજના ખાવડા પંથકમાં તો રસ્તા ઉપર પાણી વહી નીકળ્યા હતા. કચ્છના જાણીતા ટુરિસ્ટ પ્લેસ એવા સફેદરણમાં હજી વરસાદના પાણી ભરાયેલા પડ્યા છે, ત્યાં જ ધોધમાર બરફ વર્ષા થઈ હતી. પરિણામે રણમાં પાણી સુકાવવાનું મુશ્કેલ બનતાં પાણીની સમસ્યા યથાવત જ રહેશે, પરિણામે સફેદરણ પ્રવાસીઓને જોવા નહીં મળે . કાશ્મીર અને હિમાચલ જેવા હિલ સ્ટેશનોમાં જે રીતે ‘સ્નો ફોલ’ થાય છે, એ રીતે જ બરફ વર્ષા થતાં કચ્છ જાણે કાશ્મીર અને કુલુ મનાલી જેવું બની ગયું હતું. જોકે, બરફ વર્ષાને પગલે સૌથી મોટું નુકસાન પાકને થયું છે. સતત ત્રણ વર્ષથી અછત, દુષ્કાળના કારણે પરેશાન કચ્છના ખેડૂતો માટે આ વર્ષે વધુ પડતા વરસાદ અને હવે બરફ વર્ષાએ પાકનો સોથ વાળી નાંખતા ખેડૂતો માટે મુશ્કેલી વધી છે. બાજરી, ગુવાર, મગ અને મઠના પાકને મોટું નુકસાન થયું છે. આથી અગાઉ કપાસ, મગફળી તેમ જ તલના પાકને નુકસાન થઈ ચૂકયું છે. પાક વિમાનું વળતર નહીં ચૂકવતી વીમા કંપનીથી પરેશાન કચ્છના ખેડૂતોને કુદરતે વધુ એક ફટકો મારતા ખેડૂતોની હાલત ભારે કફોડી થઈ છે.