દેશલપર -ગુંતલી પાસે ટ્રકની અડફેટે ટ્રેક્ટરનો બુકડો

નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી પાસે શનિવારના સાંજે 7 વાગ્યાના અરસામાં ટ્રકે અડફેટે લેતાં ટ્રેક્ટરનો બુકડો બોલી ગયો હતો. ટ્રેક્ટરમાં સવાર એક મહિલા સહિત ત્રણને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે ભુજ સેડાયા હતા. બનાવના સ્થળે એકત્ર ગ્રામજનોએ ટ્રક ડ્રાઇવર નશામાં ચૂર હોવાનો આક્ષેપ કર્યો હતો

મળતી વિગતો મુજબ મથલથી ઘાસ ચારો ભરીને દેશલપર (ગું) આવી રહેલા ટ્રેક્ટરને ગામથી અડધો કિલો મીટરના અંતરે ટ્રક નં. જીજે-12 એડબલ્યુ 6399ના ચાલકે ટક્કર મારી હતી જેના કારણે ટ્રેક્ટરનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રેક્ટરમાં સવાર નારાણ ચાવડા, મણિબેન અરિંદ કોલી અને અન્ય એક શખ્સને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચતાં પ્રથમ સારવાર માટે નખત્રાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા જ્યા પ્રાથમિક સારવાર અપાયા બાદ ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સાંજે બનેલા આ બનાવમાં ટ્રક પણ પલટી મારી ગઇ હતી જો કે, નખત્રાણાના પોલીસ મથકે રાત્રે 11 વાગ્યા સુધી આ અકસ્માતની કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.