કચ્છી લોકગીતની સૂરિલી ઓળખસમા અમીનાબેન મીરને ભુજની સંગીતપ્રેમીઓની સભા ‘અમે સૂર સંગી’ દ્વારા સંગીતમય અંજલિ અપાઇ હતી. સંસ્થાના સ્થાપક અને વાયોલિન વાદક સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે, અમીનાબેનની વસમી વિદાયથી કચ્છના લોકસંગીતને પૂરી ન શકાય તેવી ખોટ પડી છે.સમગ્ર ઇસ્માઇલ મીર પરિવારના આ ક્ષેત્રે પ્રદાનને તેમણે બિરદાવ્યું હતું. ‘સપ્તરંગ’ના પ્રમુખ ઝવેરીલાલ સોનેજીએ અમીનાબેનના નિધનથી કચ્છનું લોકસંગીત રંક બન્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ફિલ્મ ‘ધાડ’માં અમીનાબેનના કંઠે ગવાયેલાં ગીતોને યાદ કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કચ્છી લોકસંગીત ક્ષેત્રે પુરૂષ ગાયકોની સરખામણીમાં સ્ત્રી ગાયકોની સંખ્યા મર્યાદિત છે તેવામાં તેમના નિધનની ઘટનાએ મોટો આચકો આપ્યો છે.સંસ્થાની સંગીત બેઠકમાં મનસુખ જોબનપુત્રા, રોહિત જોષી, નીતિન પાઠક, ભૂપત રાવલ, મણિલાલ ઠક્કર, ભરત અધિકારી, ધર્મેન્દ્રસિંહભાઇ, ડો. બોસમીયા, મોહનભાઇ, ગોસ્વામીભાઇ સહિતનાએ જૂના ગીતો ગાઇ-વગાડીને સૌને મુગ્ધ કર્યા હતા. કિશોર વ્યાસે ઢોલક પર સંગત કરી હતી. બેઠકમાં ખુદ ઇસ્માઇલભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતિમ તબક્કે અમીનાબેનના પુત્ર અલ્તાફભાઇએ ‘ચિઠ્ઠી ના કોઇ સંદેશ.. જાને વો કૌન સા દેશ…’ કૃતિ રજૂ કરી ત્યારે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સંગીતપ્રેમીઓની આંખ ભીની થઇ ગઇ હતી. સૌએ અમીનાબેનના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.