સરકાર ભલે અસામાજિક તત્વો સામે અસરકારક કાયદા ઘડે પણ કાયદાનો ખોફ કે ડર હવે ગુજરાતમાં પણ ઘટી રહ્યો છે., એ વાસ્તવિકતા છે. ભુજના કુકમા ગામે દેશી દારૂ વેચનારા બુટલેગરને દારૂ વેચવની ના પાડનાર યુવાન ઉપર થયેલા હુમલાએ ચકચાર સર્જી છે. વણકરવાસમાં રહેતા ૩૪ વર્ષીય યુવાન અબ્દુલ ઇબ્રાહીમ નોડે ઉપર બુટલેગર નૂરમામદ સુમાર બાફણ સહિત ચાર શખ્સોએ હૂમલો કરીને તેને લમધાર્યો હતો. દરમ્યાન અબ્દુલ નાસવા જતાં બુટલેગર નૂરમામદ અને તેના સાગ્રીતો અબ્દુલ પાછળ ખુલ્લી તલવાર સાથે દોડયા હતાં. જો કે, જેમ તેમ કહીને જીવ બચાવવામાં સફળ થયેલ અબ્દુલે પોતાના ભાઇ કાસમને આ અંગે વાત કરતાં અંતે મામલો પોલીસ ફરીયાદ સુધી પહોંચ્યો હતો. કુકમા ગામે દેશી દારૂ વેચનાર બુટલેગર નૂરમામદને દારૂ વેચવાની ના પાડવી આ યુવાનને ભારે પડી હતી. ગુંડા અને લુખ્ખા તત્વો સામે સામાન્ય નાગરીકને અવાજ ઉઠાવવો ભારે પડે એવી પરિસ્થિતી ગાંધીના ગુજરાત માટે ચિંતાજનક છે.