સુરજબારી ચેકપોસ્ટ પાસે ચોરાઉ ચાયનાકલે ભરેલી 5 ગાડી ઝડપાઇ

છેલ્લા કેટલાક દિવસોમાં રાપર, ભચાઉ વિસ્તારમાં ખનીજ ચોરી કરતા તત્વો કાયદાના ભીંસમાં આવ્યા છે. ત્યારે ફરી પૂર્વ કચ્છ ખાણ ખનીજ ખાતા દ્વારા સુરાજબારી ચેક પોસ્ટ પાસેથી ગેરકાયદેસર રીતે ચાયનાકલે ભરી અન્ય જિલ્લામાં જઈ રહેલી 5 ગાડીઓને ઝડપી લેવામાં આવી હતી.આ પાંચેય ગાડીઓના ડ્રાઇવરો ભાગી જતા પૂર્વ કચ્છ ખાણ ખનીજ ખાતાની કામગીરી પર ફરી શંકા પ્રેરાઈ છે. ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટરના જણાવ્યા મુજબ આજે પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા સુરાજબારી ચેક પોસ્ટ પાસેથી ચાયનાકલે ભરેલી 5 ગાડીઓને ઝડપી લેવામાં આવી હતી. જે દરમ્યાન આ પાંચેય ગાડીના ડ્રાઇવરો ગાડી છોડીને ભાગી જવામાં સફળ રહ્યા હતા. દરમ્યાન તપાસ કરતા આ ચાયનાકલે ગેરકાયદેસરનું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ ચાયનાકલે ક્યાંથી આવ્યું તેની તપાસ ઉપરાંત માલને સિઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.કચ્છ વિસ્તાર એવો છે કે જ્યાં માટી ખોદો ત્યાં ખનીજ મળી રહે છે. ઉપરાંત કચ્છ માંથી નીકળતા ચાયનાકલે તેમજ અન્ય ખનીજ તત્વો એ ગ્રેડના હોવાથી મોરબી તેમજ આસપાસના સીરામીક ઉધોગોમાં કચ્છના ચાયનાકલેની ખૂબ જ ડિમાન્ડ છે. જેના કારણે ખનીજ ચોરી કરી કચ્છનું ખનીજ અન્ય જિલ્લામાં વહેંચવાનું કૌભાંડ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. ત્યારે આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા કચ્છથી બહાર લઈ જવાતા ચોરાઉ ચાયનાકલેની ગાડીઓ પર દરોડો પાડી કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યો હતો.