ગાંધીધામમાં ગ્રે કલરની કારમાં ફરી ચીલઝડપ કરનાર પકડાયો

ઓસ્લો સર્કલ પાસે ગ્રે કલરની કારમાં આવી ચેન સ્લેજિંગના બનાવને અંજામ આપનાર માથાનો દુખાવો બનેલા આરોપીને પોલીસે ભારતનગરમાંથી પકડી લઇ આ ગુનાનો ભેદ ઉકેલી લેવાથી લોકોએ હાશકારો અનુભવ્યો છે. તા.15/11 ના સવારે ઓસ્લો સર્કલ પાસેથી જઇ રહેલા દુર્ગાબેન પટેલના ગળામાંથી કારમાં આવેલો ઇસમ ચેન ખેંચી ફરાર થયો હોવાની તેમજ એ જ તારીખે મેઘપર બોરીચી ખાતે પણ મહિલા દુકાનદારના ગળામાંથી કારમાં આવેલો ઇસમ ચેન ખેંચી ફરાર થઇ ગયો હોવાની ઘટના બાદ પોલીસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કાર ગ્રે કલરની હોવાનું જણાતાં આધુનિક ઢબે તપાસ કરતાં કારના નંબર જીજે-12-સીડી-7846 હોવાનું જાણવા મળતાં આ કાર ભારતનગરમાં રહેતા કુંદનસિંગ કુરશોસિંગ રાજપુતની હોવાનું જાણવા મળતાં તેને કાર સહીત ભારતનગરની બજારમાંથી પકડી લઇ તેની પુછપરછ કરતાં તેણે ઓસ્લો સર્કલનો બનાવની કબૂલાત આપી છે. આ કામગીરીમાં પીઆઇ દેસાઇ, એએસઆઇ કિર્તી ગેડિયા, હેડકોન્સ્ટેબલ ગલાલ પારગી, રાજદીપસિંહ ઝાલા, જગદિશ સોલંકી સહિનો સ્ટાફ જોડાયો હતો. પૂર્વ કચ્છમાં ગ્રે કલરની કાર લઇ ચીલ ઝડપના બનાવને અંજામ આપનાર આરોપી કુંદનસિંગ કુરશોસિંગરાજપુત વિરૂધ્ધ અગાઉ મુન્દ્રા પોલીસ મથકે ખુન, ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને પૂર્વ કચ્છના ત્રણે ચીલ ઝડપના બનાવમાં પણ આ જ આરોપી સંડોવાયેલો હોવાનું તેમજ અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલવાની આશા પોલીસ સેવી રહી છે.