બાંડિયામાં ચરિયાણ મુદ્દે ધિંગાણું : બંને પક્ષે પંદરેક ઘાયલ

અબડાસા તાલુકાના બાંડીયા ગામે રબારી સમાજ અને ગામના લોકો વચ્ચે ચરીયાણ મુદ્દે ધીંગાણુ ખેલાયું હતું જેમાં પંદરેક શખ્સોને ઇજાઓ પહોંચી હતી. બંને પક્ષના સોએક શખ્સો એકત્ર થઇ જતા તંગદીલીભર્યુ માહોલ સર્જાયો હતો વધુ માહોલ ખરાબ થાય તે પહેલા પોલીસે એન્ડ ટાઇમ પર બાજી સંભાળી લીધી હતી. સોશિયલ મિડિયામાં રબારી અને મુસ્લિમ સમુહ વચ્ચે ડખો થયો હોવાની વાત વહેતી થઇ હતી. જોકે ખરેખર ધીંગાણુ ગ્રામજનો અને રબારી સમાજ વચ્ચે ખેલાયુ હતું. નલીયા પોલીસ મથકે 44 નામજોગ સહિત 100 જણના ટોળા સામે રાયોટીંગનો ગુનો નોંધાયો હતો. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ગ્રામ પંચાયત દ્વારા એક સમિતિ બનાવાઇ હતી જેમાં અનેક નિયમો અને ઠરાવો નક્કી કરાયા હતા. ગામમાં આવેલી જમીન પર ચરીયાણ કરવા મુદ્દે રબારી સમાજના લોકો અને ગ્રામજનો સામસામે આવી ગયા હતા. ગામમાં આવેલી જમીનમાં ગ્રામ લોકો જ ચરીયાણ કરી શકે તેવુ નક્કી કરાયું હતું પણ દર વર્ષથી અંજાર તાલુકાના કુકડસર ગામેથી આવતા રબારી સમાજના લોકો ચરીયાણ માટે પહોંચી આવ્યા હતા. ગામ લોકો ચરીયાણ માટે આવેલા સમુહને સમજાવવા પ્રયાસો કર્યા હતા. રવિવારે સવારે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા ન હોવાથી ગ્રામજનો અને રબારી સમાજના જુથ વચ્ચે મારામારી અને પત્થરમારો થયો હતો.