આજે કચ્છ જિલ્લાની આરોગ્ય સેવાઓ ખોરવાશે : 700 કર્મચારીઓ માસ સી એલ લઈ ભુજમાં રેલી કાઢશે

કચ્છ જિલ્લાનાં 700 આરોગ્ય કર્મચારીઓ 13 પડતર પ્રશ્નોના મુદ્દે છેલ્લા બાર દિવસથી હડતાલ પર ઉતર્યાં છે. જેના પગલે 25 નવેમ્બરથી રાજ્યમાં શરૂ થયેલી શાળા આરોગ્ય તપાસમાં સરકારને ચોક્કસ આંકડા મળી રહ્યા નથી. ત્યારે જિલ્લા આરોગ્ય કર્મચારીઓ પોતાનો માસ સીએલનો રિપોર્ટ જિલ્લાનાં પીએચસી સેન્ટરોમાં મૂકીને 9 ડિસેમ્બરના ભુજ ખાતે પોતાની માંગણીઓ સબબ રેલી કાઢીને સભા કરશે. જ્યારે 17 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે સામુહિક રજુઆત કરવામાં આવશે ત્યાર બાદ પણ ઉકેલ નહીં આવે તો જિલ્લા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે તેમ કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ હરિભાઈ જાટીયા અને મહામંત્રી મુળુભા જાડેજાએ એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય કર્મચારીઓએ પોતાના મોબાઇલમાં ઓનલાઈન રિપોર્ટિંગ બંધ કરી દેતા જિલ્લામાં થતી રસીકરણ, આરોગ્ય તપાસ સહિતની કામગીરીના ઓનલાઇન ડેટા સરકારને રોજેરોજ મળી રહ્યા નથી. બીજી તરફ આરોગ્ય શાખાના ડોક્ટરો દ્વારા ખોટા આંકડા સરકારને મોકલી આપવામાં આવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે રાજ્યના 5680 કર્મચારીઓએ પોતાના મોબાઈલ બંધ કરીને અસહકાર આંદોલન ચલાવી રહ્યાના સમાચાર સાંપડી રહ્યા છે ત્યારે શાંતિથી લડત ચલાવી રહેલા આરોગ્ય કર્મચારીઓ અંગે સરકાર આગામી સમયમાં શું રૂખ અપનાવે છે તે જોવું રહ્યું.4 Attachments