ગાંધીધામના ભારતનગરમાં બે દુકાનોમાંથી તસ્કરી

ગાંધીધામ શહેરના ભારતનગર ૯/બી રોડ પર આવેલી બે દુકાનોમાંથી તસ્કરીનો બનાવ સામે આવ્યો હતો. દુકાનોના પતરા તોડીને નિશાચરોએ અંદાજે ર લાખ જેટલી માલમતાનો હાથ માર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના ભારતનગર ૯/બી રોડ પર આવેલી બ્રહ્માણી કૃપા સ્ટેશનરી અને જનરલ સ્ટોર તેમજ ભાનુ મોબાઈલ શોપમાંથી ચોરી થયાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. આ દુકાનોના પતરા તોડીને નિશાચરો અંદર પ્રવેશ્યા હતા અને જનરલ સ્ટોરમાંથી અંદાજે ચાલીસેક હજારની રોકડ રકમ તફડાવી ગયા હતા. જયારે મોબાઈલની દુકાનમાંથી અંદાજે દોઢ લાખના મોબાઈલની તસ્કરી કરાઈ હોવાની વિગતો જાણવા મળી હતી. બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે પોલીસ મથકે હજુ સુધી સત્તાવાર ફરિયાદ નોંધવામાં ન આવતા કેટલાની ચોરી થઈ છે તે સ્પષ્ટ જાણી શકાયું નથી.