બાઇક રેસર વેલેન્ટિનો રોસીએ કહ્યું છે કે, બાઇકસવારી એ પણ એક કળા છે. આ ઉક્તિને ભુજના બે સાહસિક યુવાને ચરિતાર્થ કરી બતાવતાં ભુજથી ગોવા અને પરત ભુજ એમ 3000 કિમીની સફર બાઇક પર ખેડતાં અન્ય યુવાઓને પ્રેરણા પૂરી પાડી છે. હર્ષ વિજય બુદ્ધભટ્ટી અને મીત રજનીકાંત બુદ્ધભટ્ટીએ ગોવામાં દર વર્ષે ઉજવાતા ઇન્ડિયા બાઇક વીકમાં ભાગ લીધો હતો. આ આયોજનમાં દેશભરના બાઇકર્સ ભાગ લે છે. અહીં સ્ટન્ટ શો, બાઇક એક્સપો, ઓફરોડિંગ, ફ્લેટ ટ્રેક, હિલ ક્લાઇમ્બિંગ સહિતની બાઇકરેસનો સમાવેશ થાય છે. આ મંચ પરથી દુનિયાભરના બાઇકર્સ પોતાનો અનુભવ અન્યો સાથે શેર કરે છે. પોતાના અનુભવ વિશે હર્ષ અને મીત જણાવે છે કે, ‘સેફ્ટિ ઇઝ મસ્ટ’ના નિયમને નજર સમક્ષ રાખીને જ ચાલવું જોઇએ. હેલ્મેટ, ની ગાર્ડ, સેફ્ટિ ગ્લોવ્ઝ, રાઇડિંગ જેકેટ, રાઇડિંગ બૂટ્સ આ તમામ ચીજો બહુ જ મહત્વ ધરાવે છે અને રોજબરોજની સફરમાં પણ તેનો ઉપયોગ કરવો જોઇએ. ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું આપણા જ હિતમાં છે. 3/12થી સફર શરૂ કરી ગોવા પહોંચ્યા અને 7/12ના પરત ભુજ માટે નીકળ્યા. ટૂ-વ્હિલર માટે એક્સપ્રેસ-વેની સુવિધા ન હોવાથી થોડા ઉતાર-ચડાવવાળા માર્ગે જવું પડ્યું હતું. જીપીએસની પણ મદદ લીધી. તેમણે અન્ય યુવાઓને પણ આવા સાહસિક પ્રવાસો કરવાનો અનુરોધ કર્યો હતો.