કિસાનોએ પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત અને સક્રિય છે તેમ રાજ્યમંત્રીએ અંજાર તાલુકાના ચંદીયા ગામમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (ગેટકો)ના ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ભૂમિ પૂજન કરતા જણાવ્યું હતું. લોહારિયા ગામ નજીક 4 કરોડના ખર્ચે નિર્માણ પામનારા સબ સ્ટેશનનું ખાતમૂહુર્ત રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે સંપન્ન કર્યા બાદ ચંદિયા ગામે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, આ સબ સ્ટેશનના નિર્માણથી હવે કાયમી રીતે લો વોલ્ટેજની સમસ્યાનો ઉકેલ આવી જશે. આ પ્રસંગે તેમણે ચંદીયાથી ભલોટના રસ્તા માટે 1.54 કરોડ ફાળવ્યાની જાહેરાત કરતાં જ ઉપસ્થિતોઅે તેને વધાવી લીધી હતી. પૂંજાભાઇએ સબ સ્ટેશન માટે રજૂઆત કર્યાના 6 મહિનામાં જ કામ શરૂ કરવાની ખાતરી આપી હતી જે વાયદો પૂર્ણ થયો હોવાનું જણાવ્યું હતું. અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેની શાહે ટૂંક સમયમાં અંજારમાં નવા સબ સ્ટેશનનું ખાતમૂહુર્ત કરવામાં આવશે તેમ કહ્યું હતું. પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેર એસ.એન. ગરવાએ નવા બનનાર સબ સ્ટેશનથી ખેડોઇ, ભલોટ,ચંદીયા સહિતના ૪ હજારથી વધુ ગ્રાહકોને એનો લાભ મળશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે મ્યાજરઆહિર, દેવજી સોરઠીયા, હરીલાલસોરઠીયા, બીજલભાઇ, સામજી બાંભણીયા, માલાભાઇ મેતા, ડાહ્યાભાઇ દેવરીયા,મણીલાલભાઇ ચાવડા ગેટકોના અધિક્ષક ઇજનેર ડી.બી. વામજા, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર કે.આર. વરસાણી, એન.વી. ટેવાણી, ડી.એમ. ડાંગી, સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગોપાલ માતાઅે અને આભારવિધિ બી.એચ. પરમારે કરી હતી.