ચેતજો ! / કોઈ પોલીસની ઓળખ આપે તો ID કાર્ડ માંગો, અમદાવાદમાં પોલીસના નામે 10 લાખ લૂંટાયા

શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. ચોરી-લૂંટ જેવી ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની છે ત્યારે શહેરમાં માર મારીને લૂંટી લેતી ગેંગનો આતંક વધી ગયો છે. શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં મની ટ્રાન્સફર કરતી કંપનીના બે કર્મચારીઓને પોલીસની ઓળખ આપી બે ઈસમો લાકડાના ડંડા વડે માર મારીને રૂ.૧૦.૯પ લાખ લૂંટીને ફરાર થઇ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના ચાણક્યપુરી વિસ્તારના દેવનંદન ફ્લેટમાં રહેતા આશિષભાઇ દરજીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં બાઇક પર આવેલા બે ગ‌િઠયા વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. આશિષભાઇ દરજી નવરંગપુરા ખાતે આવેલ મોનાર્ચ ફોરેક્સ નામની કંપનીમાં સેલ્સ એકિઝ‌ક્યુટિવ તરીકે નોકરી કરે છે. આશિષ કંપની કોઈ પણ વિદેશી નાણાં તથા ભારતીય ચલણી નોટોના મની ટ્રાન્સફરનું કામ કરે છે. કોઈ ગ્રાહક પોતાની પાસેનાં વિદેશી નાણાંની બદલી કરવા માટે કંપનીના ડાયરેક્ટરને ફોન કરે છે અને ડાયરેક્ટર આશિષભાઇ જાણ કર્યા બાદ તે ગ્રાહકના ઘરે અથવા તો તેમના બતાવેલ સરનામા પર ભારતીય ચલણી નોટો અથવા વિદેશી નાણાં ગ્રાહકના ત્યાં પહોંચાડવાનું કામ કરે છે.ગઈ કાલે રાણીપમાં રહેતા એક ગ્રાહકે કંપનીના ડાયરેક્ટરને ફોન કરી કહ્યું હતું કે મારી પાસે અમેરિકન ડોલર છે, જે વેચવાના છે અને ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરવાના છે. ત્યારબાદ ડાયરેક્ટર અને ગ્રાહક સાથે ૧૦.૯પ લાખ રૂપિયામાં ડીલ નક્કી થઇ હતી, જેથી રાતના આઠ વાગ્યાની આસપાસ આશિષભાઇ અને અન્ય એક કર્મચારી રૂપિયા લઈને રાણીપમાં રહેતા ગ્રાહકને આપવા માટે ગયા હતા. આશિષભાઈ જયારે રાણીપ ખોડિયાર મંદિર પાસે ઊભા હતા ત્યારે બાઈક પર બે શખ્સ આવ્યા હતા અને બાઈક અથડાવીને માફી માગી હતી. ત્યારબાદ તેમને નામ-સરનામું પૂછી પોલીસમાં છીએ તેમ કહી માર મારીને કાળીગામ ગરનાળા તરફ લઈ ગયા હતા. ત્યાં બંને શખ્સ માર મારી રૂ. ૧૦.૯પ લાખ લૂંટી નાસી ગયા હતા. આથી આશિષભાઈ તાત્કા‌િલક સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને બે યુવકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને લૂંટ કરનાર ઈસમોને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે.