સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળો બરાબર જામ્યો હોય તેમ છેલ્લા ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે જેમાં બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છ ઠંડુગાર બનતા જનજીવન પર ભારે અસર જણાઈ હતી. જેમાં નલિયામાં ૬.૨ ડિગ્રી અને રાજકોટમાં ૧૦.3 અને જામનગરમાં સતત બીજા દિવસે ૧૦ ડિગ્રી સાથે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. રાજ્યનું સૌથી ઠંડુ મથક તરીકે જાણીતા નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન ૬.૨ ડિગ્રી બુધવારે નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિત મહાનગરોના લોકો ઠંડીથી પ્રભાવીત થયા છે. રાજકોટની વાત કરીએ તો બુધવારે ૧૦.3 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરના રાજમાર્ગો ઉપર ઠંડીની અસર જણાઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી સમીસાંજ થતા રંગીલા રાજકોટના માર્ગો સૂમસામ જણાય છે જામનગરમાં છેલ્લા પાંચ દિવસ કાતિલ ઠંડીનું મોજુ પ્રસર્યું છે જેમાં મંગળવારની જેમ સતત બીજા દિવસે ૧૦ ડિગ્રીએ તાપમાનનો પારો સ્થિર રહેતા લોકો ઠીંગરાયા હતા. આ ઉપરાંત જૂનાગઢમાં ૧૨.૬ અને ભૂજ અને અમરેલીમાં ૧૦.૪ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડીનો ચમકારો હતો. જૂનાગઢ આસપાસમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો જોવા મળે છે જેમાં ગીરનારમાં બુધવારનું તાપમાન ૭.૬ ડિગ્રી રહેતા પર્વતીય વિસ્તારમાં યાત્રિકોએ પણ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. સોરઠના કેટલાક વિસ્તારોમાં તો બુધવારે પવન ઘટીને ૫.૬ કિલોમીટર રહ્યો હતો. તેને કારણે ઠંડીની તિવ્રતા વધી હતી. આમ સૌરાષ્ટ્ર-કચ્છમાં દેખો ત્યાં ઠાર જોવા મળી રહ્યો છે