ACBના હાથે ACBના જ PI અધધધ… 18 લાખની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ: રાજ્ય સહિત દેશભરની સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે, સામાન્ય નાગરીકને સામાન્ય કામ માટે પણ લાંચ આપવા મજબૂર થવું પડે છે. ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબુદ થાય તે માટે લાંચ રુશ્વત વિરોધી ખાતા દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ કેટલાક સરકારી બાબુઓ એવા છે કે, રૂપીયાની લાલચમાં જાણ કે તેઓ ક્યારેય સુધરવાનું નામ ન લઇ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.

અહીં મહત્વની વાત એ છે કે, જે સુરક્ષા એજન્સી લાંચીયા બાબુઓને ઝડપી પાડવાનું કામ કરે છે, તેજ સુરક્ષા એજન્સીના પીઆઈ લાંચ લેચા ઝડપાયા છે, એટલે કે, એસીબીની ઝપેટમાં જ એસીબીના પોલીસ ઇન્સપેક્ટર આવી ગયા છે. આ ઘટનાથી પોલીસ સહિત તમામ સુરક્ષા બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ એસીબીના પોલીસ ઇન્સપેક્ટર ડી. ડી.ચાવડાએ રૂપીયા 18 લાખની લાંચની માંગણી કરી હોવાની ફરિયાદ અમદાવાદ એસીબીને મળતા જ એસીબીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા એક છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને પીઆઇને 18 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે વર્ષ 2018માં એસીબીમાં ગૌશાળાને લઇને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત અન્ય અરજી પણ કરવામાં આવી જે સંદર્ભે એસીબીના ફરિયાદીનું નામ આરોપી તરીકે લેવાને બદલે સાક્ષી તરીકે લેવા માટે રૂપીયા 20 લાખના લાંચની માંગણી કરી હતી. અને અંતે રૂપીયા 18 લાખની લાંચ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે એસીબીના ફરિયાદીને લાંચની રકમ આપવી ન હોવાથી તેણે એસેબીનો સંપર્ક કર્યો હતો. અને એસીબીએ છટકું ગોઠવીને પીઆઇને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અનેક પગલા ભરવામાં આવ્યા છે, પરંતુ હજુ લાંચ લેવાનું બંધ નથી થઈ રહ્યું. હમણાં જ 18 ડિસેમ્બરે પણ એસીબીએ (Anit courruption Beaurea)એ એક સફળ ટ્રેપ કરી AMCનાં ડે.સિટી એન્જિનીયર (ટ્રાફીક) મનોજ સોલંકીને એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ સિવાય સુરતમાં મહિલા કોંગ્રેસ કોર્પોરેટર પણ આ મહિનામાં જ લાંચ લેતા ઝડપાયા હતા. આવા તો અનેક લોકો રોજે રોજ સરકારી કચેરીઓમાં લાંચ લેતા ઝડપાય છે.