ફરી એક વખત કચ્છમાં ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ રાત્રે 1 વાગ્યેને 30 મિનિટે આવ્યો હતો. 4.1ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.ભૂકંપનું કેન્દ્રબિન્દુ ખાવડાથી ભુજ વચ્ચે નોંધાયું છે. હાલ તો 4થી વધુની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. સાથે જ નાના બાળકો પણ ભૂકંપના આંચકાથી ડરી ગયા છે. જો કે હજુ સુધી કોઇ નુકશાન કે જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાતા કચ્છવાસીઓને 2001ના કચ્છના ભૂકંપની યાદ તાજી કરાવી દીધી હતી.નોંધનીય છે કે, 26 જાન્યુઆરી 2001માં વહેલી સવારના સુમારે જ જ્યારે ગુજરાતમાં પ્રજાસત્તાક દિવસની ઊજવણીમાં લોકો વ્યસ્ત હતા ત્યારે જ અચાનક ભુકંપ આવ્યો હતો. આજે આવેલા ભુકંપે તેની યાદ તાજી કરી હતી. 2001ના વિનાશક ભૂકંપમાં 25 હજાર લોકોનાં મોત થયા હતા. 16 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. 7.7. તીવ્રતાથી આવેલા ભૂકંપે ભુજ સહિત ગુજરાતના અનેક ભાગોને નેસ્ત નાબુદ કર્યા હતા.