KDC બેંકમાં 100 કરોડનું કૌભાંડ, ગુજરાત CID ક્રાઈમે અબડાસામાં ગુપ્ત ઓપરેશન પાર પાડી 30ને દબોચ્યા

કચ્છ ડિસ્ટ્રિક્ટ બેંક (KDC)માં 100 કરોડના કૌભાંડ થયાનો ઘટસ્ફોટ થયો છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસ દરમિયાન આ મામલો સામે આવતા ગુપ્ત ઓપરેશન પાર પાડીને ગુજરાત સીઆઈડી ક્રાઈમે અબડાસામાં 100 કરોડના કૌભાંડમાં 30 લોકોની અટકાયત કરવામાં આવી છે. જયંતિ ભાનુશાળીની હત્યામાં સામેલ જયંતિ ઠક્કર ઉર્ફ જયંતિ ડુમરા દ્વારા કૌભાંડ આચરાયું હતું. જયંતિ ભાનુશાળીની હત્યા પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમની તપાસમાં KDC બેંકમાં કૌભાંડ સામે આવ્યું હતું. જયંતિ ભાનુશાળી અને જયંતિ ડુમરાને કૌભાંડને લઈને જ વાંઘો થતાં હત્યાને અંજામ આપવામાં તેણે છબીલ પટેલની સાથે જોડાયો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે અબડાસાના 30 લોકોને સવારે ઉઠાવી લેવામાં આવ્યા હતા. ડુમરાએ ખોટી મંડળીઓ અને ભળતા નામે ખાતા ખોલાવીને પૈસાનો વહીવટ કરી નાંખ્યો હોવાનું સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા KDC બેંક કૌભાંડમાં કરાયેલી અટકાયત મામલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.