નર્મદાના વધારાના નીર માટે નાણા નહીં ફાળવાય તો ઉપવાસ આંદોલન

નર્મદાના વધારાના નીર માટે સરકાર પુરતા નાણા ફાળવે તે માટે સરકાર સમક્ષ માંગણી કરાયેલી છે આમછતાં જો સરકાર નાણા નહીં ફાળવે તો પોતે વ્યકિતગત રીતે ઉપવાસ પર ઉતરશે તેવી જાહેરાત અબડાસા વિસ્તારના ધારાસભ્ય દ્વારા તાજેતરમાં કચ્છ નર્મદા જળ અભિયાન સમિતિ બેઠકમાં કરી હતી.કચ્છ નર્મદા જળ અભિયાન સમિતિની બેઠકમાં નિયમિત પાણી અને વધારાના પાણીના કામો વર્ષ ૨૦૨૨ સુધીમાં પુર્ણ કરાવવા ઠરાવો કરાયા હતા. કચ્છ જિલ્લાના સંવેદનશીલ એવા બે પ્રશ્નો એક નર્મદાના નિયમિત પાણી માટેના કામો અને બીજોપ્રશ્ન વધારાના ફાળવેલા એક મિલિયન એકર ફીટ પાણીના કામો સરકાર ૨૦૨૨ સુધીમાં પુર્ણ કરાવે તે માટે સમિતિના મહામંત્રીએ અલગ અલગ ઠરાવો વાંચી સંભળાવ્યા હતા તેને ઉપસ્થિતોએ અનુમોદન કર્યું હતું.ખાસ કરીને એક મિલિયન એકર ફીટ પાણી માટે આગામી બજેટમાં રૂ.૨૫૦૦ કરોડની ફાળવણી કરે તે બાબત પર ખાસ ભાર મુક્યો હતો. આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે, વધારાના પાણી માટે ગુજરાત સરકાર પાસેથી રૂ.૨૦૦૦ કરોડની માંગણી મુકી છે અને તેની જાણ કેન્દ્રમાં પણ કરી છે. આ વર્ષે સરકાર કચ્છ માટે જરૂર આગામી બજેટમાં નાણા ફાળવશે.બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વધારાના પાણી માટે સરકાર પુરતા પ્રમાણમાં નાણા નહીં ફાળવે તો પોતે વ્યકિતગત રીતે ઉપવાસ પર બેસશે તેવી જાહેરાત કરી હતી. ત્વરાએ પાણી ફાળવાય તો કચ્છમાંથી થતી હિજતર અટકે તથા રોજગારી વધે તેવી લાગણી હાજર અગ્રણીઓએ વ્યકત કરી હતી. જમીન સંપાદનોના અવરોધો દુર કરવા સંકલન કરવા પર ભાર મુકાયો હતો. કચ્છ જિલ્લા સરપંચ સંગઠન ના પ્રમુખે નિષ્ણાંત સભ્યોને સાથે રાખી નર્મદાના પાણી માત્ર ગામડે ગામડે જનજાગૃતી લાવવા પ્રયાસો હાથ ધરાશે તેવી હૈયાધારણા આપી હતી. સમિતિએ આ માટે હકારાત્મક કામગીરી કરવાને હૈયાધારણા આપી હતી.