કચ્છ યુનિ.નો વહીવટ ખાડે ગયો, ૩ માસથી પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓના ધરણા

કચ્છ યુનિર્વસીટી દ્વારા છેલ્લા ૩ માસથી વધુ સમય નીકળી ગયા છતાં વિદ્યાર્થીઓના પરિણામ જાહેર ન કરાતા આજે રોષે ભરાયેલા છાત્રોએ યુનિ. પરીસરમાં ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો હતો.મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓની સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર માસમાં લેવાયેલી પરીક્ષાના રીઝલ્ટ હજુસુધી જાહેર કરાયા નથી. યુજીસીના નિયમ મુજબ ૪૫ દિવસની અવધિમાં પરીણામ જાહેર કરવાના હોય છે પરંતુ હાલે ૨ માસથી ઉપરનો સમય થઈ ગયો છતાં સંચાલકોના પેટનું પાણી પણ ન હલતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સીટીમાં છાત્રોને સાથે રાખીને વિરોધ પ્રર્દશન કરાયું હતું.આ અંગે છાત્રોએ કહ્યું હતું કે, અગાઉ ૮ દિવસની મહોલત અપાઈ હતી આમછતાં આજદિન સુધી પરીણામ ન આપતા કુલપતિ અને કુલ સચિવ સમક્ષ ઉગ્ર રીતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રામધુનની સાથે સુત્રોચ્ચાર કરીને નબળી સંચાલન અને છાત્રોના ભવિષ્ય સાથે કરાતા ચેડા મુદે રોષ વ્યકત કરાયો હતો. છાત્રોના વિરોધને જોઈને સંચાલકોએ ૩૮ છાત્રોના પરીણામ જાહેર કર્યા હતા જો કે હજીસુધી તે સિવાયના પરીણામ જાહેર ન કરતા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી.