સયાજીનગરી એક્સપ્રેસમાં અંજારથી મુંબઈ જતા મુસાફરની બેગની ચોરી

પૂર્વ ધારાસભ્ય ભાનુશાળીની હત્યાથી લઈને નાના-મોટા અસામાજિક બનાવોને લઈને કચ્છમાંથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો કૂખ્યાત બની રહી છે. યોગ્ય સલામતીના અભાવે મુસાફરો અસામાજિક કૃત્યોનો ભોગ બની રહ્યા છે. તેવી સ્થિતિ વચ્ચે અંજારના એક સમાજ સેવક મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે ફક્ત પાંચ મિનીટમાં તેનો સામાન ચોરી થઈ ગયો હોવાની વધુ એક ઘટના બહાર આવી છે.અંજારના દયારામભાઈ નાગજીભાઈ સુબડે આ અંગે પોલીસને લેખિતમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અંજારથી રાત્રે ૧૧ કલાકે તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન મારફત મુંબઈ જવા નિકળ્યા હતા. સવારે પાંચેક વાગ્યાના અરસામાં ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં.૬ પર ઉભી રહી ત્યારે તેઓ લઘુશંકા કરવા જતા ફક્ત પાંચ મિનીટમાં તેમની મોબાઈલ સહિતના સામાન સાથેની બેગ સીટ પરથી ચોરી થઈ ગઈ હતી.તેઓએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સમયે આખી ટ્રેનમાં કોઈ સુરક્ષા કર્મચારી નહોતા! ૧ર કોચ ફર્યા બાદ પણ સલામતી કર્મચારીઓ ન મળતા આખરે ઓનલાઈન નંબર પર જાણ કરી હતી. જો કે ત્યાં સુધીમાં ટ્રેન ઉપડી જતા છેક નડિયાદ રેલવે સ્ટેશને પોલીસે આવીને તેમની લેખિત ફરિયાદ સ્વિકારી હતી.આવી રીતે યોગ્ય સુરક્ષાના અભાવે કચ્છથી ઉપડતી ટ્રેનોમાં દરરોજ અનેક મુસાફરો ચોરી, લૂંટ, છેડતી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓનો ભોગ બને છે. પરંતુ લાંબી અને કંટાળાજનક કાયદાકીય પ્રક્રિયામાં કોઈ પડતું નથી. ત્યારે કચ્છમાંથી ઉપડતી તમામ ટ્રેનમાં સત્વરે સલામતી વ્યવસ્થામાં વધારો કરવામાં આવે તેવી માગણી તેમણે કરી છે.