ગાંધીધામ શહેરમાં હવે લોકોની મિલકતોનું દસ્તાવેજીકરણ થશે

ગાંધીધામ શહેરનો જમીન ફ્રી હોલ્ડનો પ્રશ્ન હલ થયા બાદ હવે સરકાર દ્વારા સિટી સર્વે કચેરી શરૃ કરવાની પણ મંજૂરી મળી ગઈ છે. તેમજ તેના અધિક્ષક તરીકે વર્ગ-રના અધિકારીની ટૂંક સમયમાં નિમણૂંક કરવામાં આવશે. જેને લઈને હવે લોકોની મિલકતોનું મહેસુલી રહે અન્ય શહેરોની માફક જ યોગ્ય દસ્તાવેજીકરણ પણ થઈ શકશે.ગાંધીધામ શહેરનો જમીન ફ્રી હોલ્ડનો પ્રશ્ન લાંબા સમયથી ટલ્લે ચડયો હતો. દરમિયાનમાં પોર્ટ પ્રશાસન દ્વારા જમીનો ફ્રી હોલ્ડ કરવાનો નિર્ણય લેવામાં આવતા લોકોની માલિકીની જમીનોની મહેસુલી રાહે જાળવણીનો પ્રશ્ન પેદા થયો હતો. કારણ કે ગાંધીધામ શહેરમાં આજ સુધી જરૃરિયાત ન હોવાથી સિટીસર્વે કચેરી કાર્યરત નહોતી.દરમિયાનમાં આ અંગે થયેલી રજૂઆતોના પગલે રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામમાં સિટી સર્વે કચેરી શરૃ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે જમીન ખરીદ-વેચાણના તમામ દસ્તાવેજીકરણની મહેસુલી રાહે જાળવણી થઈ શકશે. સરકારના આ નિર્ણયને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા અન્ય આગેવાનોએ આવકાર્યો છે. ટૂંક સમયમાં ગાંધીધામમાં સિટી સર્વે કચેરી કાર્યરત થઈ જશે.