ભુજની 24 કુવા આવ દુરસ્ત ન થઈ! વહીવટી તંત્ર અને એનજીઓની વાતો ફોગટ સાબિત

ભુજના હમીરસર તળાવ તથા અન્ય તળાવમાં પાણીનો મોટો જથ્થો લઈ આવતી ભુર્ગભ જળ રીચાર્જ માટે ઉપયોગી રાજાશાહ સમયની ૨૪ કુવા આવ (ડેમ)ની હાલત અનેક અવરોધોના કારણે મૃતપ્રાય બની છે.ગત ઉનાળે તેને જીવંત કરવાની વાતો કરાઈ હતી પરંતુ બીજો ઉનાળો દસ્તક આપી રહ્યો છે આમછતાં આ જળસંરચના તરફે તંત્ર કે પાણી મુદે કામ કરતી એકપણ એનજીઓએ દરકાર લીધી નથી. ભુતકાળમાં ભુજમાં જળસ્ત્રોતની સાચવણીની ગુલબાંગ ફુંકનારી સંસ્થાઓએ માત્ર વાતો કરીને લોકોને સરકારી અધિકારીઓ જેમ મુર્ખ બનાવ્યા હોય તેવી લાગણી પર્યાવરણપ્રેમીઓમાં ફેલાઈ છે. મળતી વિગત મુજબ ૨૪ કુવાની આવમાં ભુજ બહારથી આવતુ પાણી સંગ્રહ થાય છે જે ત્યાંથી ભુજના મુખ્ય તળાવ સુધી આવે છે. પરંતુ કલેકટર તથા નગરપાલિકા દ્વારા મીરઝાપર પાસે આવેલી આ આવની ઉપેક્ષા કરાઈ રહી છે. એક તરફ ગુજરાત સરકાર દ્વારા જળઅભિયાન છેડે છે બીજીતરફ ભુજના સેંકડો તળાવો પુરાઈ ગયા, દબાણ થઈ ગયા અને જે બાકી છે તે ગંદકીથી ખદબદી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ તેની આવને પણ નુકશાન પહોંચાડાઈ રહ્યું છે. આ મુદે વારંવાર લેેખિત રજુઆતો હજીસુધી આ બાબતે કોઈ આયોજન સુદ્ધા કરાયું નથી.૩૫ એકરનો મીરઝાપરનો ડેમ અને તેની કેનાલમાંથી વહીને ૨૪ કુવાની આવ દ્વારા મંગલમ ચાર રસ્તા પાસેથી હમીરસરમાં પાણી ભરી શકાય છે. આ ડેમનું તળીયું સાગના પથ્થરનું હોવાથી અહીં પાણી સંગ્રહ માટે ઉત્તમ જમીન હોવાથી પાણી લાંબા સમય સુધી સુકાતું નથી.ત્યારે કલેકટર દ્વારા અલયાદી ગ્રાન્ટ ફાળવીને ૨૪ કુવાની આવને દુરસ્ત કરવા ઉપરાંત હમીરસર સુધી જતાં વહેણમા અવરોધ રૃપ દબાણ કે અન્ય નડતર દુર કરાવીને પગલા ભરાય તેવી માંગણી ઉઠી છે. નહીં તો ભવિષ્યમાં રાજાશાહી સમયનું આ જળઆયોજન નાબુદ થઈ જશે અને હમીરસર તળાવમાં પાણી ભરાવવાની બાબત સપના સમાન બની જશે.