પ્રવાસી શિક્ષકોના સહારે ચાલતી વંગની માધ્ય. શાળાને તાળાબંધી

એકતરફ સરકાર બેટી બચાવો, બેટી પઢાવો સર્વશિક્ષા અભિયાન, જેવા ગતકડા કરી લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયત્નો કરે છે. તો બીજીબાજુ જિલ્લાના મોટાભાગના અંતરિયાળ ગામોમાં શિક્ષકોની ઘટના કારણે કચ્છમાં મોટાભાગની શિક્ષણની યોજનાઓ નિષ્ફળ બનવા પામી છે. ત્યારે નખત્રાણા તાલુકાના વંગ ગામની માધ્યમિક શાળામાં ગામવાસીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. આ બાબતે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે લાખો રૃપિયાના ખર્ચે બનેલીહાઈસ્કૂલમાં સમખાવા પુરતા એકપણ કાયમી શિક્ષક નથી. પ્રવાસી શિક્ષકોના ભરોશે શાળા નું શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે અંતરીયાળ ગામોમાં શિક્ષા મેળવવા ઈચ્છુકો માટે આ શાળામાં કાયમી શિક્ષકોની નિમણુંક કરવાની માંગણી સાથે શાળમાં અભ્યાસ કરતા છાત્રો અને વાલીઓએ સરકારી માધ્યમિક શાળાને તાળાબંધી કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ ખુબ જ ખરાબ હાલતમાં હોય તેમ મહિનામાં એકાદ વખત કોઈને કોઈ શાળાને તાળાબંધી કરવામાં આવે છે. સરકાર કચ્છનો ઔદ્યોગિક અને પ્રવાસનક્ષેત્રે વિકાસ કરવાની યોજનાઓ બનાવે છે, તેમાં ધ્યાન આપે છે. પરંતુ શૈક્ષણિક ઉત્કર્ષની મહત્વની બાબતની ઘોર અવગણના કરવામાં આવી રહી છે.