ગાંધીધામમાં નજીવી બાબતે બે પરિવારો બાખડી પડતાં બંને પક્ષે સાત ઘવાયા

શહેરનાં સેક્ટર-7 વિસ્તારમાં શોપિંગ સેન્ટર પાસે રોડ ઉપર બે પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બનતાં બન્ને પક્ષના 7 લોકોને ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં બન્ને પક્ષે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ સૂરજ ખીમજી થારૂએ પૂનમ પરબત ધેડા, ધીરજ પ્રેમજી ધેડા, નવીન પરબત ધેડા, અશોક ઉર્ફે આશલો પરબત, રાજેશ નાગશી ધેડા, સંજય નાગશી ધેડા, રમીલાબેન પૂનમ પરબત ધેડા અને તરુણ પૂનમ ધેડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તરુણ ધેડા તથા અન્ય એક વ્યક્તિ પોતાના બુલેટથી રોડ ઉપર સ્ટન્ટ કરી રહ્યા હતા, જેની આ ફરિયાદીએ ના પાડતાં આ લોકોએ તેના ઉપર બાઈક ચડાવી દેવાની કોશિશ કરી હતી. તેઓ જીવ બચાવવા હટી જતાં આ વાહન ફરિયાદીની દીકરી અને ભત્રીજાની સાઈકલમાં ભટકાયું હતું અને બન્ને બાળકોને ઈજાઓ પહોંચી હતી. જેનો ઠપકો આપતાં આ બન્ને ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે અન્ય તહોમતદારોને બોલાવી લીધા હતા. આ આરોપીઓએ ધોકા વડે માર મારતાં ફરિયાદી તથા તેના ભાઈ ભરત અને તેના પિતાને પણ ઈજાઓ પહોંચી હતી. મારામારીના આ બનાવમાં ધીરજ ધેડાએ સોનાની ચેઈન ઝૂંટવી લીધી હતી. સામા પક્ષે પૂનમચંદ પરબત ધેડા (મહેશ્વરી)એ પંકજ મોહન થારૂ, નીતિન મોહન થારૂ, ખીમજી મંગા થારૂ, ચંપાબેન ખીમજી થારૂ, કિશન રાયશી દેવરિયા, રાધા ઉર્ફે રાજુબેન કિશન દેવરિયા, સુરેશ ખીમજી થારૂ અને ભરત ખીમજી થારૂ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમનો દીકરો તરુણ અને ભત્રીજો જય બુલેટ પર બેસીને ટયૂશન જઈ રહ્યા હતા તે દરમ્યાન શોપિંગ સેન્ટર પાસે ખીમજી થારૂની પૌત્રીની સાઈકલ પર આ વાહન ચડી જતાં આ તહોમતદારોએ બન્નેને માર માર્યો હતો. તેવામાં તરુણે ફોન કરી આ ફરિયાદી તથા પોતાની માતાને અહીં બોલાવ્યા હતા. આ ફરિયાદી તથા તેમના પત્ની કંચનબેન પોતાના દીકરાઓને છોડાવવા જતાં આ આરોપીઓએ તેમના ઉપર પણ હુમલો કર્યો હતો. મારામારીના આ બનાવમાં તરુણનાં ગળામાંથી ચંપાબેન થારૂએ ચેઈન ઝૂંટવી લીધી હતી. મારામારીના આ બનાવમાં પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.