કચ્છના અફાટ રણમાં સેવાની ધુણી ધખાવનાર કચ્છના કબીર એવા સંત મેકરણ દાદાના બે માનીતા સંગાથી એટલે લાલીયો ગધેડો અને મોતીયો કુતરો. મેકરણદાદા લાલીયા ગધેડાની પીઠે પાણી અને રોટલાની ઝોલી નાખીને કચ્છમાં ધોમ ધખતા નિર્જન રણમાં વટેમાર્ગુઓ માટે સેવાની મહેક જગાવી હતી . કચ્છમાં જોવા મળતા કચ્છી ગધેડાની જાત વિશિષ્ટ અને અલગ હોઈ રાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવા હાથ ધરાયેલા પ્રયાસોને સફળતા મળી છે. યોગાનુયોગ મહાશિવરાત્રિ નિમિતે સમાચાર મળતા સમગ્ર કચ્છમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કચ્છમાં કચ્છી ગધેડાની વસ્તી આશરે ૩૦૦૦થી ૪૦૦૦ જેટલી છે.તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારત સરકારની બ્રિડ રજીસ્ટ્રેશન કમિટીની મીટીંગમાં કચ્છી ગધેડાની માન્યતાને મંજુરી આપવામાં આવી છે. ભારતમાં હિમાચલના સ્પીતી, જામનગરના હાલારી પછી કચ્છના કચ્છી ગધેડાને રજીસ્ટ્રેશન નંબર ૈંશઘૈંછ-ર્ઘંશણરૂ-૦૪૦૦-ણછભલ્લભલ્લલ્લૈં-૦૫૦૦૩થ્ સાથે દેશની ગધેડાની ત્રીજી ઓલાદ તરીકે માન્યતા આપવામાં આવી છે. મીટીંગમાં દેશની કુલ ૧૩ નવી પશુ ઓલાદોને માન્યતા આપવામાં આવી છે જેમાં કચ્છી ગધેડા સાથે નારી ગાય અને ડગરી ગાય એમ ગુજરાત રાજયની ત્રણ નવી પશુ ઓલાદોનો સમાવેશ થાય છે. ભારત સરકાર દ્વારા હવેથી માન્યતા પ્રાપ્ત પશુ ઓલાદોને ભારત સરકારના ગેઝેટ નોટીફિકેશનમાં પ્રસિધ્ધ કરવામાં આવે છે. કચ્છની ગધેડાની માન્યતા થાય તે માટે સહજીવન સંસ્થા દ્વારા છેલ્લા પાંચ વરસથી થઈ રહેલ પ્રયાસોમાં રાજયમંત્રી, સાંસદ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનિય છે કે, એક જમાનાના જાજરમાન પ્રાણી એવા કચ્છી ગધેડાની સંખ્યા હવે દિવસો દિવસ ઘટી રહી છે. એક સમયમાં કચ્છના કુંભાર અને માલધારી સમુદાય દ્વારા ખુબ મોટી સંખ્યામાં કચ્છી ગધેડાનો ઉછેર કરવામાં આવતો હતો. દેશના અન્ય ગધેડાની ઓલાદોની સરખામણીમાં કચ્છી ગધેડો કેટલાક વિશિષ્ટ ગુણો ધરાવે છે. ઉનાળામાં ૫૦ ડિગ્રીથી પણ વધુ ધોમધખતા તાપમાં મીઠાના રણમાં ચાલી શકવુ એ ખાસિયત ફકત કચ્છી ગધેડામાં છે.પીઠ ઉપર કવીન્ટલથી પણ વધુ વજન સાથે પહાડ ચડી જવો એ પણ એકમાત્ર કચ્છી ગધેડામાં ખુબી છે. પાવાગઢ, શેત્રુંજય, જુનાગઢ જેવા પહાડોની ઉંચાઈ પણ માલસામાન ચડાવવા માટે કચ્છી ગધેડાનો જ ઉપયોગ થાય છે.કચ્છના માટીકામ કરતા કુંભાર કારીગરો, માટી અને તૈયાર માટલા ઉપાડવા માટે ગધેડાનો ઉપયોગ કરે છે. પચ્છમ, અબડાસા, લખપતના નાના ખેડૂતો પોતાની ખેતીમાં ખેડ અને આખંરખેડમાં કચ્છી ગધેડાનો ઉપયોગ કરતા જોવા મળે છે. બન્ની,ભુજ અને અન્ય વિસ્તારોમાં ગધેડા ગાડી દ્વારા લાકડા, માલ સામાન માટે ખુબ મોટા પાયે ઉપયોગ કરાય છે. ઉપરાંત, વાગડના અમુક માલધારી લોકો પોતાના માલઢોર સાથે લાંબા અંતરના સ્થળાંતરમાં ઘર વખરીનો સામાન ઉપાડવા કચ્છી ગધેડાનો ઉછેર કરે છે.કોઈ પણ જાતના વધારાના ખોરાક અને ખર્ચ વગર સાવ મફતમાં જ માણસને ઉપયોગી થતા કચ્છી ગધેડાઓ સેંકડો લોકોની જીવાદોરીનું સાધન હોવા છતા સામાન્ય લોકો માટે તો હંમેશા ઉપેક્ષા અને તિરસ્કારને પાત્ર રહ્યા છે. કચ્છના કબીર મેકરણદાદાએ પોતાના માનીતા લાલીયા ગધેડાને માનવ સેવાના કામે લગાડી ગધેડાની જાતને પણ આદર અને સન્માન આપ્યુ હતુ.કચ્છી ગધેડાને માન્યતા માટેની પ્રોફાઈલ તૈયાર કરવા માટે સહજીવન સંસ્થાના ડો.શેરસિંહ ચૌહાણ, નરેન્દ્ર નંદાણીયા, માલધારીઓ લાલમામદ હાલેપૌત્રા, હુસેન કુંભાર, મામદ કુંભાર, હનીફ હિંગોરજાએ મહેનત કરી હતી. પ્રોફાઈલ બનાવવા માટે મુખ્યત્વે બન્ની પચ્છમ, ભુજ,અબડાસા, લખપત વિગેરે વિસ્તારોના ગદર્ભ રાખતા પરિવારોનો સાથ સહકાર લઈને આશરે ૧૦૦૦ જેટલા ગર્દભનો શારીરિક અને જનિનિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જનિનિક (જીનેટીકલ-મોલીકયુલર) અભ્યાસ આણંદ કૃષિ યુનિ.દ્વારા કરવામાં આવ્યો હતો.કચ્છી ગધેડાની સંખ્યાને ઘટતી અટકાવવા, આ ઉપયોગી પ્રાણીની ખુબીઓ બહાર લાવવા માટે તેમજ તેને સંરક્ષિત કરવા માટે કચ્છમાં ગધેડા સંવર્ધન ફાર્મ તેમજ ગધેડા ઉછેરકોને પ્રોત્સાહન માટે કચ્છનું સ્થાનિક પશુપાલન વિભાગ, રાજય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો અમલ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવુ સંસ્થાના પ્રોગ્રામ ડાયરેકટર રમેશ ભટ્ટીએ જણાવ્યુ હતુ.