આદિપુરની ચાર જ્વેલર્સ પેઢીમાં ઈન્કમટેક્ષ દ્વારા સર્વે હાથ ધરાયો
ગાંધીધામના આદિપુરની મેઈન બજારમાં આવેલી ચાર જ્વેલર્સ પેઢીમાં આજે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવતા સોની બજારમાં દોડધામ થઈ પડી છે. આજે બપોરથી અધિકારીઓના કાફલા દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં લાખો રૂપિયાના બેનામી વ્યવહારોની કબૂલાત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.માર્ચ એન્ડીંગ આવતા જ બધા તંત્ર લક્ષ્યાંકો પુરા કરવા હરકતમાં આવી ગયા છે. તેવી સ્થિતિ વચ્ચે કચ્છના આર્થિક પાટનગર એવા ગાંધીધામના આદિપુરમાં મેઈન બજારમાં આવેલી પાટડિયા જ્વેલર્સ, બુટભવાની જ્વેલર્સ, હેમ હીરા ગોલ્ડ પેલેસ અને અંબિકા જ્વેલર્સ એમ ચાર પેઢીમાં આવકવેરા વિભાગની ટીમો દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ બપોરથી શરૂ કરેલી હિસાબોની ચકાસણીની કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલું રહી હતી. ચાર જ્વેલર્સ પેઢીમાં આઈટી દ્વારા હાથ ધરાયેલા સર્વેની આ બાબત ફક્ત સોની વેપારીઓ જ નહીં પરંતુ ગાંધીધામની સમગ્ર વેપારી આલમમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત્યારે આ ચારેય પેઢીમાં કેટલું ડિસ્કોઝર જાહેર થાય છે? તેના પર લોકોની મીટ મંડાઈ છે.