બુધવારના મોડી રાત્રે ગાગોદરથી બે કિલોમીટર દુર રોડ પર ટેંકર પલટી મારી ગયું હતું. જેમાં રહેલુ કેટલુક તેલ બહાર ઠલવાઈ ગયું હતું તો કેટલુક અંદરજ પડ્યું હતું. પરંતુ જોત જોતામાં આસપાસના લોકોને જાણ થતા તેવો સ્થળ પર બાલટી અને પાત્રો સાથે ધસી ગયા હતા અને બહાર રહેલા અને અંદર બચેલા તમામ સોયાબીન તેલના જથ્થાને ખાલી કરી નાખ્યું હતું. આ અંગે મોડી રાત્રે આડેસર પોલીસ મથકે ટ્રાન્સપોર્ટરે ટ્રેઈલર, ટેંકરના માલીક, ડ્રાઈવર અને ચોરાઉ જથ્થો ખરીદનાર વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો છે. રાપર તાલુકામાં આવેલા ગાગોદરની નજીક બુધવારના રાત્રે કંડલાથી રાજસ્થાન તરફ જઈ રહેલું 22 ચક્રીય ટેંકર જીજે 12બીવી 3394 એકાએક પલટી મારી ગયાની ઘટના સામે આવી હતી. પ્રાથમીક રીતે ટેંકરમાં 37 ટન જેટલું સોયાબીન તેલ હોવાનું બહાર આવ્યું હતું. જેમાંથી કેટલુક બહાર ઠલવાઈ ગયું હોવાનું મનાયુ અને કેટલુંક અંદર હોવાનું. પણ મોડી રાત બાદ ગુરુવારના સવારે આ પ્રકારનું ટેંકર રોડ પર પડેલું હોવાની જાણ થતા આસપાસના લોકો બાલટી, ડબ્બા સહિત જે પાત્રો મળે તે લઈને આવી પહોંચ્યા હતા ને બહાર પડેલા સાથે ટેંકરમાં અંદર બચેલા તેલની ઉંઠાતરી પણ શરુ કરી હતી અને જોત જોતામાં તેલનો જથ્થો પુરો થઈ ગયો હતો અને પોલીસ પણ આવી પહોંચતા લોકોને સ્થળથી દુર ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટના અંગે ગુરુવારના આડેસર પોલીસ ચોપડે ટ્રાન્સપોર્ટરે ડ્રાઈવર અને માલીકનું પુર્વ નિયોજીત કાવતરુ હોવાની ફરિયાદ નોંધાવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા દિપભાઈ પટેલએ ટેંકરના ચાલક ઉકમારામ તુલશારામ જાટ અને માલીક કૌશલભાઈ અંબાશંકર શર્મા તેમજ સોયાબીન ખરીદનાર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે કંડલાના ગોકુલ એગ્રો. ટર્મીનલથી 38 ટન 400 કિલો સોયાબીન તેલ ભરીને રાજસ્થાનમાં સુમેરપુરામાં ઈન્ડસ્ટ્રીને પહોંચાડવાનું કામ હતું. જે માટે તેમણે ટેંકર માલીક કૌશલભાઈનો સંપર્ક સાધ્યા બાદ ટેંકરએ ચાલક સાથે તે ભરાવીને ગંતવ્ય સ્થાને જવા રવાના થયા હતા. પરંતુ ગુરુવારના વહેલી સવારે તે ટેંકર પલટી મારી ગયું અને તેલ તમામ ઢોળાયાની વિગતો મળ્યા બાદ સ્થળ પરીક્ષણ કરતા એટલુ તેલ ઢોળાયાનું લાગતું નહતું. જેથી માલીક અને ચાલક બંન્નેની પુછપરછ કરતા તેમણે બુધવારના ગોકુલ એગ્રોથી જથ્થો ભરાવીને તેને પડાણામાં પંચરત્ન માર્કિટની પાછળ ખુલ્લા સ્થળે લઈ જઈને મોટરથી 25 ટન સોયાબીન તેલ અન્ય ઈસમોને વેંચી માર્યાનો સ્વિકાર કર્યો હતો. ત્યારબાદ શંકા ના પડે એટલે ગાગોદર હાઈવે પર ટેંકરને પલટી મરાવી દીધું હતું. જેથી 33 લાખની કિંમતનો જથ્થો તેના ગંતવ્ય સ્થાન સુધી ન પહોંચાડીને કાવતરુ રચીને છેતરપીંડી કરી અને ટેંકરને પલટી મરાવીને નુકશાન પહોંચાડ્યાની ફરિયાદ દાખલ કરી હતી.