કચ્છના આર્થિક પાટનગર સમાન ગાંધીધામના આદિપુરમાં ચાર જ્વેલર્સ પેઢીમાં ગઈકાલે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં રૂ.૧.પ૬ કરોડના વ્યવહારોની કરચોરીની કબૂલાત વેપારીઓ દ્વારા આપવામાં આવી છે.ઈન્કમટેક્ષ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આદિપુરની મેઈન બજારમાં આવેલ અંબિકા જ્વેલર્સ, પાટડિયા જ્વેલર્સ, બુટભવાની જ્વેલર્સ અને હેમ હિરા ગોલ્ડ પેલેસ નામની પેઢીઓમાં ગઈકાલે અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. માર્ચ એન્ડિંગના સમયે લક્ષ્યાંકો પુરા કરવા આવી કાર્યવાહી કરાતી હોય છે. આદિપુરની ચારેય પેઢીમાંથી રૂ.૧.પ૬ કરોડના બેનામી વ્યવહારો ક્રોસ વેરીફિકેશન દરમિયાન બહાર આવ્યા છે. વેપારીઓ દ્વારા કરવામાં આવેલા ડીસ્ક્લોઝર મુજબ આઈટી વિભાગ દ્વારા રૂ.૧.ર૧ કરોડના ટેક્ષની જવાબદારી નક્કી કરવામાં આવી છે.