25 ટન જેટલા સોયાબીન તેલની ચોરી કરી ટેન્કરમાંથી ઢોળાઈ ગયાની સ્ટોરી ઘડી કાઢી!

કંડલાથી રાજસ્થાન મોકલાવેલ સોયાબીન તેલની રસ્તામાં જ ચોરી કરીને બાદમાં ટેન્કરને પલટી મરાવી દઈને તેલનો જથ્થો ઢોળાઈ ગયો હોવાનું બહાનુ આપવાનું એક કારસ્તાન બહાર આવતા ચકચાર મચી ગઈ છે. આશરે રપ ટન જેટલા તેલની ચોરી થયાની ફરિયાદ ટેન્કર માલિક અને ડ્રાઈવર સામે પોલીસમાં નોંધાઈ છે.આ અંગેની મળતી વિગતો અનુસાર કંડલાના ગોકુલ એગ્રો નામના ઓઈલ ટર્મિનલમાંથી રૂ.૩ર.૭૭ લાખની કિંમતનો ૩૮ ટન ૪૦૦ કિલો સોયાબીન તેલનો જથ્થો ટેન્કર નં.જીજે ૧ર બીબી ૩૩૯૪માં રાજસ્થાન ખાતે મોકલાયો હતો. બાદમાં ગત તા.ર૦ના રોજ વહેલી સવારે ગાગોદરથી આડેસર રોડ પર આ ટેન્કર પલટી મારી જતા તેલનો જથ્થો ઢોળાઈ ગયો હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો.જેના પગલે ટેન્કર ભાડે રાખનાર આદિપુરના ટ્રાન્સપોર્ટર દિપક અતુલભાઈ પટેલે ઘટનાસ્થળે જઈને તપાસ કરતા ઢોળાયેલા તેલનો જથ્થો માંડ બે-ત્રણ ટન જેટલો હોવાનો અંદાઝ આવ્યો હતો. આ ઉપરાંત ડ્રાઈવર કે ટેન્કરને ખાસ નુકશાની પણ થઈ નહોતી. જેના પગલે તેને શંકા જતા ચાલક ઉકમારામ તુલસારામ જાટ અને ટેન્કર માલિક કૌશલ અંબાશંકર શર્માની પુછપરછ કરી હતી.આ દરમિયાન તેણે પોલીસ ફરિયાદની પણ ધમકી આપતા આ બંને શખ્સોએ રપ ટન જેટલા તેલની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પડાણા નજીક મોટર લગાવીને બીજા ટેન્કરમાં આ તેલનો જથ્થો સગેવગે કરાયા બાદ ટેન્કર પલટી મારી જતા તેલ ઢોળાઈ ગયું હોવાની વાર્તા ઉપજાવી કાઢવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ક્રમ અંગે ટ્રાન્સપોર્ટરે ટેન્કરના ચાલક અને માલિક સહિતના શખ્સો સામે ઠગાઈ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.