કચ્છના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના કિડિયાનગર ખાતે ૯ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સામાજિત અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે કિડિયાનગર ખાતે ૯ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ કે.વી. સબ સ્ટેશનના લોકાર્પણ વેળાએ જણાવ્યું હતું કે, કચ્છ દેશ અને દુનિયામાં સૌથી વિકાસશીલ જિલ્લો બની રહ્યો છે. ખડીર વિસ્તારમાં ૫૫ વર્ષમાં જેટલા સબ સ્ટેશનો નથી બન્યા તેટલા ૨૦૦૨થી અત્યાર સુધી અનેક ગણા સબ સ્ટેશનો બનાવ્યા છે. રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રયાસોથી વાગડ વિસ્તારમાં નર્મદા મૈયાની પધરામણીના કારણે આ વિસ્તાર લીલોછમ બની રહ્યો છે. વાગડ વિસ્તાર સહિત કચ્છમાં નવા મોટા ડેમો બનાવવા પણ રાજ્ય સરકારમાં રજૂઆતો કરાઇ હોવાનું રાજ્યમંત્રીશ્રી વાસણભાઇએ જણાવી કચ્છ નંદનવન બને તે માટે રાજ્ય સરકાર તત્પર હોવા પર ખાસ ભાર મુક્યો હતો. આડેસરમાં જમીનના દાતાના સહયોગથી સબ સ્ટેશનનું નિર્માણ કરવા દરખાસ્ત કરી છે જેનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી લક્ષ્મણસિંહજી સોઢાએ જણાવ્યું હતું કે, વાગડ વિસ્તારના સ્થાનિક કામો માટે રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર હંમેશા ચિંતિત હોઇ ભવિષ્યમાં પણ અનેક વિકાસના કામો વાગડ વિસ્તારમાં થશે તેવી નેમ વ્યક્ત કરી હતી. કિડિયાનગર ખાતે ૯ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ ૬૬ કે.વી. સબ સ્ટેશન ગામના સર્વે નં. ૧૨૫૨માં ૪૯૦૦ ચો.મી. જમીન સંપાદન કરીને પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. હાલે સમગ્ર કચ્છ જિલ્લામાં ૧૩૨ જેટલા સબ સ્ટેશનો કાર્યરત છે જે પૈકી ૬૬ કે.વી.ના ૧૧૮ સબ સ્ટેશનો કાર્યરત છે. કિડિયાનગર સબ સ્ટેશન કાર્યરત થવાથી રાપર તાલુકાના અનેક ગામોના ફિડરોને વીજદબાણની સમસ્યાનું નિવારણ આવશે અને વીજપૂરવઠો આપી વધારાની વીજમાંગ સંતોષી શકાશે. કિડિયાનગર સબ સ્ટેશન ૮૯૮.૯૮ લાખ રૂપિયાનો ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.