રાપર અને ફતેહગઢને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત આજે શનિવારે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહજી સોઢાની વિશેષ ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિથી સંપન્ન કરવામાં આવ્યું હતું. શનિવારે પ્રાગપર ચાર રસ્તા પાસે આયોજિત સમારોહમાં ૨૦૬ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રાપર ફતેહગઢ રસ્તાના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કચ્છ સહિત વાગડ વિસ્તારના વિકાસ માટે અનેક વિકાસકાર્યોની ભેટ આપી છે. કચ્છની ધરોહરને ઉજાગર કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી કચ્છના પ્રજાકીય કામો માટે હંમેશા તત્પર હોવાનું ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા કચ્છમાં થઇ રહેલા વિકાસ કાર્યો નરી આંખે જોઇ શકાય છે. એટલું જ નહીં કેન્દ્ર સરકાર દ્વારા પણ ધોળાવીરાની સાઇટને ટુરિઝમ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વિકસાવવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં જે પાંચ ધરોહર પસંદ કરવામાં આવ્યા તેમાં ધોળાવીરાનો સમાવેશ કર્યો છે.રસ્તાના ખાતમુહૂર્ત આ પ્રંસગે કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નર્મદાના પાણી ખૂબ જ ઓછા સમયમાં રાપર સુધી પહોંચાડી આ વિસ્તારની કાયાપલટ કરી છે. કચ્છમાં ટુરિઝમ ક્ષેત્રે ધોરડો અને માંડવી બીચ બાદ હવે વાગડને પણ જોડવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોળાવીરા સાઇટને ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવા કેન્દ્ર સરકારે બજેટની અંદર જોગવાઇ કરી હોવાનું આયોજન કર્યું છે. જેથી આવનાર સમયમાં આ વિસ્તારની કાયાપલટ થશે. આ પ્રસંગે માંડવીના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહજી સોઢા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી કાનજીભાઇ આહિર, કાનજીભાઇ કોલી, મોરારદાન ગઢવી, સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.