રાજ્ય સરકાર દ્વારા સાતમુ પગારપંચ જાહેર ન કરાતા રોષે ભરાયેલા ભુજ સરકારી પોલિટેકનિક ભુજના પ્રાધ્યાપકોએ કાળા કપડા પહેરીને વિરોધ દર્શાવ્યો હતો. આગામી એક સપ્તાહ સુધી આવી રીતે વિરોધ દર્શાવવામાં આવશે. જો કે આ લડત દરમિયાન શિક્ષણકાર્યને કોઈ અસર પડશે નહીં, તેવી ખાતરી પણ આપવામાં આવી છે.રાજ્યભરના વર્ગ ૧ થી ૪ના તમામ અધિકારી અને કર્મચારીઓને તા.૧ જાન્યુઆરી ૨૦૧૬થી સાતમા પગારપંચનો લાભ રાજ્યસરકાર દ્વારા આપવામાં આવેલો છે. જેને લીધે કર્મચારી વર્ગને વધતી મોંઘવારીની સાપેક્ષમાં પગારમાં વૃધ્ધિ મળેલી છે. આમછતાં માત્ર ટેકનીકલ શિક્ષણ આપતી સરકારી પોલિટેકનીક કોલેજના વર્ગ-૧ તથા વર્ગ-૨ના પ્રાધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ હજુ સુધી મળેલો નથી. ગુજરાતભરની સરકારી પોલિટેકનીક કોલેજોના મંડળ દ્વારા આ બાબતે સરકાર સમક્ષ સાતમા પગાર પંચના લાભ મેળવવા વખતો વખત રજુઆતો કરેલી છે.આમછતાં ૪ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયા છતાં સરકારે આ બાબતે કોઈ જાહેરાત કરી નથી. છેવટે સમગ્ર રાજ્યની પોલિટેકનિક કોલેજના પ્રાધ્યાપકોએ પોતાની સાતમા પગાર પંચની માંગણી સર્દેભ સરકાર કોઈ નક્કર પગલા લે તે માટે કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શનનો તખ્તો તૈયાર કર્યો છે. જે અનુસંધાને આજથી એક અઠવાડીયા સુધી વ્યાખ્યાતાઓ કાળા કપડા પહેરીને પોતાની ફરજો બજાવી શાંતિપુર્ણ વિરોધ કાર્યક્રમ આપશે. ઉલ્લેખનિય છે કે, રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મળ્યો છે ત્યારે ત્વરાએ ટેકનીલ સંસ્થાઓના પ્રાધ્યાપકોને લાભ અપાય તેવી માંગણી કરાઈ છે.