લખપત તાલુકાના કાનમેર પાસેના સીમાડામાં જર્જરીત વીજ વાયરમાંથી સૂકા ઘાસ પર પડેલા તણખાએ આગનું રૂપ લેતાં 15 એકર જેટલી જમીનમાં ઘાસ સળગી ઉઠ્યું હતું. ગ્રામજનો અને ફાયર ફાઇટરે ઉઠાવેલી દોઢેક કલાકની જહેમતના અંતે અગનજ્વાળાઓ કાબૂમાં આવી હતી.લખપત પાસે આવેલા આ ગામની સીમમાં આગ લાગી હોવાની જાણ થતાં ગ્રામજનો ધસી ગયા હતા અને ઉમરસર જીએમડીસીના ફાયર ફાઇટરને જાણ કરી હતી. બનાવના સ્થળે પહોંચી આવેલા અગ્નિશમન દળે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જો કે, દોઢેક કલાક ચાલેલા આ રેસક્યૂ ઓપરેશન દરમિયાન 15 એકર જમીનમાં પડેલા સૂકા ઘાસનો મોટો જથ્થો સ્વાહા થઇ ગયો હતો.બનાવના સ્થળે હાજર ગ્રામજનોએ રોષ ઠાલવતાં કહ્યું હતું કે, જર્જરીત વીજ વાયરો બદલવા માટે વીજ કંપની સમક્ષ અવાર નવાર રજૂઆતો કરાય છે પણ તે ધ્યાને નથી લેવાતી પરિણામે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહના અંતમાં માતાના મઢના ખટલા ભવાની ડુંગર વિસ્તારમાં ત્યાર બાદ શનિવારે રાત્રે ફુલરા ગામમાં એક વાડામાં આગ લાગી હતી જેમાં દોઢથી બે લાખનું ઘાસ ભસ્મ થઇ ગયું હતું.આગનો અન્ય બનાવ દયાપર હાઇવે પર બન્યોલખપત તાલુકામાં સોમવારે આગના બે બનાવો બન્યા હતાં. કાનેર ગામના સીમાડામાં આગ લાગી હતી. તો અન્ય બનાવ દયાપર-સુભાષપર હાઇવે પર આગ લાગી હતી. અહીં પણ મોટાપ્રમાણમાં સીમાડામાં ઘાસ સળગી ગયો હતો. આગના પગલે જીએમડીસીના ફાયર ફાઇટર દોડી આવ્યો હતો. જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.