50 હજારની લાંચ લેનાર સિંચાઈના મદદનીશ ઈજનેરને ત્રણ વર્ષની કેદ

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રાપર તાલુકાના રવેચી પીયત સહકારી મંડળીના પ્રમુખ હતા. ર૦૧૩માં સરકારની યોજના મુજબ સુવઈ યોજના હેઠળ આવતા ખેડૂતો દ્વારા બનાવાયેલી મંડળીને કેનાલનું મરામત અને મજબુતીકરણ નું કામ કરવા માટે કચ્છ સિંચાઈ વિભાગ દ્વારા રૂ.૯,૯૦,૦૦૦નું કેનાલનું કામ તા.ર૦/પ/ર૦૧૩ના વર્ક ઓર્ડરથી મળ્યું હતું. જે કેનાલનું કામ આરોપીની દેખરેખ હેઠળ થયું હતું. મંડળી દ્વારા આ કામ પૈકી પ્રથમ બીલની રકમ ૪,રપ,૯૮૪ મંજુર કરાવી આપવા માટે આરોપીએ ફરિયાદી પાસેથી રૂા.પ૦ હજારની માંગણી કરી હતી. બાદમાં આ પ્રથમ બીલની રકમ મળી ગયા બાદ મદદનીશ ઈજનરે પ્રવીણ હમીરભાઈ રોહિત અવારનવાર ફરિયાદી પાસે રૂા.પ૦ હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરતો હતો જેથી ૧૭/૬/ર૦૧૪ના ભુજ એસીબી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી, ટીમ દ્વારા છટકુ ગોઠવીને પ્રવીણને લાંચ લેતા પકડી પાડયો હતો.આ કેસ ભુજના ત્રીજા અધિક સેશન્સ જ્જ એમ.એમ.પટેલની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર પક્ષે પાંચ સાક્ષી, ૪૯ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આજે અધિક જિલ્લા સરકારી વકિલ એચ.બી.જાડેજા તેમજ બન્ને પક્ષોની દલીલ સાંભળીને કોર્ટે આરોપીને કલમ ૧૩/૧ (ગ), ૧૩(ર) મુજબના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે જે દંડ ન ભરે તો છ માસની સાદી કેદ તેમજ આરોપી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ ૭ તળે એક વર્ષની કેદ અને રૂા.પ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.