નખત્રાણામાં ત્રણ જ્વેલર્સ દ્વારા રૂ.56 લાખના બેનામી વ્યવહારનો સ્વિકાર

એક તરફ સોનાનો ભાવ રૂ.૪પ હજાર પ્રતિ તોલાની વિક્રમી સપાટીએ પહોંચી જતા સોની બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે. તેવી સ્થિતિ વચ્ચે કચ્છમાં આવકવેરા વિભાગ દ્વારા કરચોરી અંગે જ્વેલર્સ પેઢીઓ પણ મજબૂત ગાળીયો કસવામાં આવ્યો છે. ગત સપ્તાહમાં આદિપુરની ચાર જ્વેલર્સ પેઢીમાં હાથ ધરાયેલા સર્વેમાં રૂ.૧.પ૬ કરોડના બેનામી વ્યવહારો બહાર આવ્યા હતા. ત્યાર બાદ ગઈકાલે નખત્રાણાની મોહનલાલ પ્રાગજી સોની(પાંજી દુકાન), હિમતલાલ બેચરલાલ સોની અને ગૌરી કરશનદાસ સોનીની ત્રણ પેઢીમાં આઈટીના ૧૪ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ સર્વે હાથ ધર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સર્વેમાં રૂ.પ૬ લાખનું ડિસ્ક્લોઝર એટલે કે આટલા વ્યવહારોની કરચોરીની કબૂલાત વેપારીઓ દ્વારા કરાઈ છે. જેના અધારે આઈટી વિભાગે રૂ.૪૩ લાખની ટેક્સ રિકવરીનો દંડ ફટકાર્યો છે. આવકવેરા વિભાગની તપાસના પગલે નખત્રાણાની સોની બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો. વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી. આ બંને ગામ બાદ હવે ક્યાં શહેરનો વારો આવે છે? તેને લઈને વેપારીઓમાં ચર્ચાઓ વહેતી થઈ છે.