સુરતના તક્ષશીલા કાંડ બાદ આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. સરકારી શાળાઓ અને ટયુશન કલાસીસોમાં ફાયર સેફટીના દોડતા થયા હતા. ત્યારે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફીટીની સવલતો હોવાનું સરકારી ચોપડે જાણવા મળ્યું છે. જ્યારે ખાનગી શાળાઓમાં સર્વે કરવામાં આવતા શાળાની પરમીશન, ફાયર સેફટી, ભૌતિક સવલતો, યોગ્યતા ધરાવતો સ્ટાફ સહિતના મુદ્દે સબંધિત તંત્ર દ્વારા ચકાસણી કરતા અડધો-અડધ શાળામાં અધુરાશો જોવા મળતા પુરી કરવા તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો આગની ઘટનાઓ અંગે સતર્ક નથી હોતા તેઓ પોતાની મસ્તીમાં મશગુલ હોય છે. ત્યારે સુરત જેવી ઘટના ક્યાંય અન્યત્ર ન બને તે માટે રાજ્ય સરકારે તાકીદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જે-તે સમયે કચ્છની પણ સરકારી શાળાઓમાં તપાસણી દરમિયાન ફાયર સેફટી ન હોવાનું સામે આવતા ફાયર સેફટીના તમામ સાધનો અંગે પૂર્તતા કરવા તાકિદ કરવામાં આવી હતી. જોકે હજુ પણ અમુક શાળાઓમાં ફાયર સેફટીની અમલવારી ન જોવા મળતી હોવાનું જાગૃત વાલીઓએ જણાવતા વધુમાં કહ્યું હતું કે શોભાના ગાંઠીયા જેવા ફાયરના સાધનો પડયા હોય છે. જ્યારે સરકારી તંત્રના સુત્રો મુજબ ૯૦ ટકા પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટીના સવલત જોવા મળી રહી છે. જ્યારે તાજેતરમાં કચ્છની ખાનગી પ્રાથમિક શાળાઓમાં કરાયેલા સર્વે અનુસાર શાળાના દસ્તાવેજો, ફાયર સેફટી, રમત-ગમતનું મેદાન, શિક્ષકોની લાયકાત, બાંધકામની મંજુરી, ભૌતિક સવલતોમાં પાણી, શૌચાલય સહિતની ચકાસણી કરાઈ હતી. જેમાં જિલ્લામાં આવેલી ૪૦૦ જેટલી ખાનગી પ્રાથમિક શાળામાંથી ૨૨૦ શાળાઓમાં ખામી જોવા મળી હતી. જેથી તાકિદના ધોરણે નવું સત્ર ચાલુ થાય તે પુર્વે અધુરાશો પુરી કરવા નોટીસ આપવામાં આવી હતી.ઉપરાંત અમુક જર્જરીત શાળાઓમાં બાકળોને અભ્યાસ કરાવાતા અને અન્ય શાળાઓમાં ઓરડાની મંજુરી ઉપરાંત ૪૦ જેટલી શાળાઓમાં દસ્તાવેજો અધુરાશો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ઉપરાંત મળતી માહીતી મુજબ શાળાના એક વર્ગખંડમાં ૪૫ છાત્રોને બેસાડી શકાય છે. વધારે વિદ્યાર્થી હોય તો શિક્ષણતંત્રને જાણ કરી વધારાના અલગ વર્ગખંડ માટે મંજુરી લેવી પડે છે. એના બદલે અમુક શાળાઓમાં વગર મંજુરીએ વર્ગખંડો ચાલુ કરી દેવાયા છે. આમ નિયમોના ઉલ્લંઘન અને અધુરાશો પુરી કરવા માટે સબંધીત તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી છે.