ગાંધીધામ શહેરમાં નેશનલ હાઈવે પર ગેરકાયદેસર થઈ રહેલા પાર્કિંગના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા પેદા થઈ છે. આ સમસ્યા ઉકેલવા માટે તંત્ર દ્વારા પોલીસ, આરટીઓ, હાઈવે ઓથોરીટી સહિતના વિભાગો તથા વિવિધ એસોસિએશન સાથે સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી. જેમાં હવેથી રોડ પર ગેરકાયદેસર પાર્ક થતા વાહનો સામે કડક પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. અલબત, તંત્ર વિનામુલ્યે પાર્કિંગ પુરા પાડવામાં નિષ્ફળ જતા ખાનગી એજન્સીનો સહારો લેવા મજબૂર થવું પડયું છે!ગાંધીધામમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં નેશનલ હાઈવે પરની ટ્રાફિક સમસ્યા હલ કરવા ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આડેધડ પાર્ક થતા વાહનોના કારણે અન્ય વાહન ચાલકોને ખુબ જ હાડમારીનો સામનો કરવો પડે છે. લાંબા સમય સુધી રહેતા ટ્રાફિક જામમાં અનેક લોકો ફસાઈ જાય છે. આ બેઠકમાં રેલવે સ્ટેશન પાસે ખૂલ્લા પ્લોટમાં રેલવે પાસેથી કોન્ટ્રાક્ટ પર પાર્કિંગ રાખનાર એજન્સીના પ્રતિનિધિએ હાજર રહીને પાર્કિંગ સંબંધિત સુવિધાઓ અંગે જાણકારી આપી હતી. પ્રાંત અધિકારી દ્વારા હવેથી રોડ પર ગેરકાયદેસર પાર્ક થતા વાહનો સામે કડક પગલા લેવા તેમજ હાઈવે ઓથોરીટીને પાર્કિંગ અને પેટ્રોલિંગમાં પરિણામલક્ષી કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં હાજર ટ્રાક એસો., કન્ટેઈનર એસો., ટ્રેઈલર એસો.ના હોદ્દેદારોએ હાજર રહીને નિયમોના પાલન અંગેની ખાતરી આપી હતી. જ્યારે અધિકારીઓ દ્વારા પાર્કિંગ એજન્સીને વાહનની સલામતી અને ચાલકોની સુવિધા માટે સીસીટીવી કેમેરા, એન્ટ્રી પાસ, વોશરૂમ સહિતની સુવિધાઓ જાળવવા સૂચના અપાઈ હતી.