મુંબઈમાં કોરોનાથી જે દર્દીનું મોત નીપજયું હતું, તે દર્દી ત્રણ દિ’ પહેલા ગાંધીધામ આવ્યા હોવાની અને લગ્નપ્રસંગ માં હાજરી આપી હોવાની જાણ થયા બાદ કચ્છમાં તંત્ર વધુ એલર્ટ થઈ ગયું છે. દરમ્યાન કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે ‘અકિલા’ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા અકિલા કચ્છમાં કોરોનાની સારવારનો વ્યાપ વધારવા પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. જિલ્લા કલેકટર પ્રવીણા ડીકે, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી જિલ્લાના આરોગ્યતંત્રના સતત સંપર્કમાં છે. ગઈકાલે જિલ્લા કલેકટર પ્રવીણા અકીલા ડી.કે. એ કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ અદાણી જીકે ની મુલાકાત લીધી હતી. આ હોસ્પિટલનું મેનેજમેન્ટ કરનાર અદાણી ગેઇમ્સના અધિકારીઓ સાથે ચર્ચા કરી અહીં વધુ સુવિધા ઉભી કરવા માટે નિર્દેશો આપ્યા હતા. ડો. કન્નરના જણાવ્યા પ્રમાણે ભુજમાં અત્યારે ૪૦ આઇસોલેશન બેડમાં ૧૦ બેડ વધારીને ૫૦ બેડની સુવિધા કરાઈ છે. આ ઉપરાંત અહીં કોરોના ના દર્દીઓ માટે ઓપીડીમાં સંપૂર્ણ તપાસ થઈ શકે તેવી સુવિધા ઉભી કરાઈ છે. ભુજની આ સરકારી હોસ્પિટલમાં અત્યારે અન્ય રોગોની સારવાર લઈ રહેલા દર્દીઓને જરૂર પડે ખાનગી હોસ્પિટલમાં ખસેડી અહીં કોરોના માટે વધુ બેડ બનાવવા તંત્ર દ્વારા કવાયત કરાઈ છે. કચ્છની ખાનગી હોસ્પિટલોએ આ કાર્ય માટે સહયોગ આપવાની ખાત્રી પણ આપી હોવાનું કન્નરે જણાવ્યું છે. પૂર્વ કચ્છમાં ગાંધીધામ મધ્યે રામબાગ સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ૩૦ આઇસોલેશન બેડ ઉપરાંત વધુ ૨૦ બેડ માટે ખાનગી હોસ્પિટલનો સહયોગ લેવાશે. આજે જિલ્લા કલેકટર પ્રવીણા ડીકે અને પોતે ગાંધીધામ જશે એવું આરોગ્ય અધિકારી ડો. કન્નરને જણાવ્યું હતું. વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ૨૦ જગ્યાએ કવોરેન્ટાઈન ઇન્સ્ટિટ્યૂશન ઉભા કરાયા છે. જેમાં ૧૪૩૨ વ્યકિતઓને કવોરેન્ટાઈન હેતુથી રાખી શકાય એવી સુવિધા છે. કચ્છમાં અત્યાર સુધી ૩૯૩ વિદેશી પ્રવાસીઓને ઇન્સ્ટિટ્યૂટશન કવોરેન્ટાઇનમાં રખાયા છે. જયારે ૧૦૩૩ હોમ કવોરેન્ટાઈન માં રખાયા છે. ટૂંકમાં કોરોના સામે સરકાર અને તંત્ર સજ્જ છે ત્યારે લોકો પણ બહાર નીકળવાનું ટાળી ઘરે રહી સોશ્યલ ડિસ્ટન્સ દ્વારા કોરોના સામે જાગૃતિ દાખવે એવી અપીલ આરોગ્ય અધિકારીએ કરી છે. અત્યારે ઘરે ઘરે સર્વેની કામગીરીમાં ૨૧૧૬ ટીમ દ્વારા ૬૪૮૨૨ ઘર તેમ જ ૨,૫૨,૪૦૩ વ્યકિતઓની તપાસ થઈ ચૂકી છે.