નોવેલ કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા સમગ્ર ભારતને લોકડાઉન જાહેર કરાયો છે. ૧ એપ્રિલથી બીપીએલ વર્ગને રાશન વિતરણની કામગીરી શરૂ કરાઈ હતી હવે એપીએલ રાશનકાર્ડ ધારકોને રાશન વિતરણ કરવા નિર્ણય લેવાયો છે. પરંતુ કોમ્યુનીટી ટ્રાન્સમિશનના આ ગંભીર તબક્કામાં જો લોકોના ટોળા રાશનની દુકાનો બહાર એકઠા થશે તો મોટો ખતરો ઉભો થશે જેથી હોમ ડીલીવરીની સુવિધા કરાય તેવી માંગણી કરાઈ છે.આ અંગે જણાવાયું હતું કે, રાપર અને ભચાઉ તાલુકાના ઘણાં ગામડાઓમાં ગામે ગામ વિતરણ કરવાની સુચના સસ્તા અનાજની દુકાનધારકો સુધી પહોંચ ન હોવાનું સામે આવ્યું છે. તેમજ આવી સ્થિતીમાં સ્થાનિકે ઘર્ષણ સર્જાય તેમ છે. તાજેતરમાં જ ખેંગારપર ગામની સસ્તા અનાજ વિતરણ અંગેનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સરકારના આદેશ અનુસાર ગામડે ગામડે સરપંચને સાથે રાખી વિતરણ વ્યવસ્થા કરવાની જાહેરાત થયેલી પરંતુ આ વખતે ન છુટકે ખેંગારપરના ગરીબ લોકોને સુવઈ સુધી ધક્કાઓ ખાઈને આ વખતનું રાશન લેવાનો વારો આવ્યો છે. ખેંગારપરના સરપંચ સહિત જાગૃત નાગરીકો સહીત સ્થાનિકે રજુઆત કરવા છતાં સમસ્યાનો હલ કરાયો નથી. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો લોકડાઉનનું પાલન કરાવવું અઘરૂ બની રહેશે.