ટ્રક અકસ્માતમાં ઘાયલ શિક્ષિકાના પિતાનું મોત, માધાપરથી લૂડીયા જતી વખતે સર્જાઇ હતી દુર્ઘટના

બુધવારે ભીરંડીયારા ચેકપોસ્ટ નજીક સર્જાયલા એકટીવા અને ટ્રક વચ્ચેના અકસ્માતના બનાવમાં ઘવાયેલા માધાપરના 56 વર્ષીય મુકેશભાઇ વિનોદરાય જોષીનું ગુરૂવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. માધાપર ખાતે કોટકનગરમાં રહેતા અને ખાવડાના ગોડપર મુખ્ય શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દિપાલીબેન મુકેશભાઈ જોષી તેમના પિતા સાથે બુધવારે એકટીવા પર લૂડીયા ગ્રુપ શાળામાં પેપર લેવા માધાપરથી નીકળ્યા હતા. ત્યારે ભીરંડીયારા ચેકપોસ્ટ નજીક તેમની એકટીવા ઉભી રાખી હતી તે દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રક જી.જે.12 એયુ. 7845ના ચાલકે એ કટીવા અડફેટે લઇ મુકેશભાઇનો ડાબો પગ ટ્રકના ટાયરની નીચે કચડી નાખ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મુકેશભાઇનું ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ગુરૂવારે સવારે મોત નિપજ્યુ હતું. હતભાગીના ઘર પાસે રહેતા દિનારા ગુપ શાળાના મુખ્ય શિક્ષક મહેશભાઇએ જણાવ્યું હતું કે, સરકારના પરિપત્ર મુજબ વાર્ષિક પરિક્ષાના પેપરો ગૃપ શાળામાંથી મેળવીને વિદ્યાર્થીઓને પહોંચાડવાના હતા જેથી વિદ્યાર્થીઓ ઘરે બેસીને પેપર લખી શકે ગોડપર શાળાના મુખ્ય શિક્ષિકા તેમના પિતા સાથે લુડીયા ગૃપ શાળામાં પેપર લેવા જતા હતા ત્યારે બનાવ બન્યો હતો.