કોવિડ-૧૯ના ચેપનો ફેલાવો, પોઝિટિવ કેસની તીવ્રતાને આધારે ભારત સરકારે ઝોનિંગ સાથે ત્રીજા તબક્કાના લોકડાઉનનો અમલ કરવા ગાઈડલાઈન જાહેર કર્યા બાદ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ- GADએ પણ સરકારી કચેરીઓ શરૂ કરવા સોમવારે મહત્ત્વનો પરિપત્ર બહાર પાડયો છે. કન્ટેનમેન્ટ એરિયા સિવાયના ઓરેન્જ ઝોનમાં રહેલા જિલ્લાઓમાં ૫૦ ટકા અને ગ્રીન ઝોનમાં ૧૦૦ ટકા અધિકારીઓ-કર્મચારીઓની હાજરી સાથે કચેરીઓ શરૂ કરવા કહેવાયું છે. અમદાવાદ સહિત જે જિલ્લા રેડ ઝોન હેઠળ છે ત્યા હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ એરિયામાં કોઈ પણ સરકારી કચેરી શરૂ નહી થાય. જો કે, તેની બહાર રેડ ઝોન એરિયામાં ક્લાસ- વન ઉપરાંત કોઈ કચેરીના વડા વર્ગ-૨ અધિકારી હોય તો પણ ફરજ પર હાજર થવાનું રહેશે. જ્યારે વર્ગ- ૩ અને તેથી નીચેના કિસ્સામાં ૩૩ ટકા રોટેશનથી કર્મચારીઓને બોલાવવાના રહેશે. જો કે, રેડ ઝોન અમદાવાદમાં રહેતા અને ગાંધીનગરમાં ફરજ હેઠળના કર્મચારીઓને બાબતમાંથી મુક્તિ છે. જ્યારે ઓરેન્જ ઝોનના જિલ્લાઓમાં વર્ગ- ૩ અને તેથી નીચેના ૫૦ ટકા કર્મચારીઓથી સરકારી સેવાઓ પૂર્વવત્ કરવાની રહેશે. બાકીના તમામને ઘરેથી વર્ક ફ્રેોમ હોમ કરવાનું રહેશે. ગ્રીન ઝોન હેઠળના જિલ્લાઓમાં તમામ સરકારી કચેરીઓને ૧૦૦ ટકા સ્ટાફ સાથે કાર્યરત કરવા GAD અગ્રસચિવ કમલ દયાનીની સહીથી જાહેર થયેલા પરિપત્રમાં અન્ય ઝોન હેઠળના જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ એરિયામાં એરિયામાં રહેતા કર્મચારીઓને ગ્રીન ઝોનમાં કામ કરવા માટે બોલાવવા નહી એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. ત્રણેય ઝોનમાં સામાજિક અંતર, માસ્ક સાથે સરકારી સેવાઓ બહાલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.