લોકડાઉનના ત્રીજા તબક્કામાં આંતરરાજ્ય અને જિલ્લાના પ્રવાસની મંજૂરી મળી જતાં અપેક્ષા પ્રમાણે ભારતભરમાં વસતા કચ્છીઓ વતન વાપસી કરી રહ્યાં છે. મુંબઇ તથા રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં લોકો કચ્છ આવી રહ્યાં છે. ઇતિહાસમાં એવુ પહેલીવાર થયું છે કે કચ્છીગરાઓની વતન વાપસીથી કચ્છના લોકોમાં ખુશી કરતા ફફડાટ વધુ છે. સુરજબારી ચેકપોસ્ટ પર ઊભી કરાયેલી ખાસ કોવીડ-19 ચેકપોસ્ટ પર દોઢથી બે કિમી સુધી વાહનોની કચ્છમાં પ્રવેશવા માટે લાંબી કતારો છે. બીમારીથી બચવા કચ્છીઓ પોતાના વતન આવી રહ્યાં છે. સુરજબારી ચેકપોસ્ટ પર મુંબઇની સાથે સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગરથી વાહનો આવી રહ્યાં છે. અહીં ચેકપોસ્ટ પર એક-એક વાહનની તપાસ કરાઇ રહી છે. મંજૂરી લીધેલી હોય તેવા પ્રવાસીઓને જ કચ્છમાં પ્રવેશ આપવામાં આવે છે. કારમાં સવાર તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રિનીંગ કરાઇ રહ્યું છે. મુસાફરોના ઓળખકાર્ડ તપાસી તેઓ જે ગામ કે શહેરમાં જવાના હોય ત્યાંના આરોગ્ય વિભાગને જાણ કરાઇ રહી છે. આ પ્રવાસીઓને હોમ ક્વોરોન્ટાઇન કરાય તેની તાકિદ કરાય છે. અહીં ફોર વ્હીલર અને ભારે વાહનો માટે અલગ લાઇન રખાઇ છે. જેથી ટ્રાફિક ન થાય તે માટે ટ્રક ચાલકોની તપાસ ટોલનાકે કરાઇ રહી છે.મુંબઇથી કચ્છ આવા માટે હાલ બેફામ ભાવ વસુલવામાં આવી રહ્યાં છે. એક બસમાં પ્રવાસી દીઠ રૂા. ચાર હજાર ભાવ વસુલવામાં આવી રહ્યાં છે. તો ખાનગી ટેક્ષીનું ભાડું રૂા.40 હજાર આપીને પણ લોકો આવી રહ્યાં છે. મુંબઇમાં લોકો એવા ભયભીત થઇ ગયાં છે કે તોતીંગ ભાડા આપીને પણ કચ્છ આવી રહ્યાં છે.સુરજબારી ચેકપોસ્ટ પર આરોગ્ય અને પોલીસ કર્મચારીઓને કોઇ સુવિધા પુરી પડાઇ ન હતી. ધોમધખતા તાપથી બચવા તંબુ તો ઠીક પાણીની પણ વ્યવસ્થા નથી. ખાવા-પીવાના પણ કોઇ ઠેકાણા નથી. મંગળવારે જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરએ સુરજબારી ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે ભાસ્કરને અહીં ફરજ બજવતા કર્મચારીઓની અસુવિધા અંગે વાકેફ કર્યા હતાં. સીડીએચઓએ તાત્કાલિક ફોન કરી અહીં ટેન્ટ, પાણી અને ભોજનની વ્યવસ્થા કરવા આદેશ કર્યો હતો.સુરજબારી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પીએસઆઇ રેખાબેન સીસોદીયા અને ડી.એમ. ઝાલાએ જણાવ્યું હતું કે, મુંબઇ, અમદાવાદ, સુરત અને વડોદરાના જેવા કન્ટેઇનમેન્ટ ઝોન છે ત્યાંના લોકોને કચ્છમાં પ્રવેશ આપવામાં આવતો નથી.કચ્છ અત્યાર સુધી ઓરન્જ ઝોનમાં છે. તંત્રની સતર્કતા અને જિલ્લાની બોર્ડર સીલ હોવાથી કેસો વધ્યા ન હતાં. પરંતુ હવે મુંબઇ અને અમદાવાદ જેવા રેડ ઝોન ધરાવતા વિસ્તારોમાંથી પણ લોકો કચ્છ આવી રહ્યાં છે. તેવામાં કચ્છમાં હવે જોખમ વધ્યું છે. તંત્રની કામગીરી પણ ખૂબ જ વધી જવાની છે.