દુર્ગાપુરનો નાનો વેપારી ઝડપાયા બાદ માંડવીનો હોલસેલર વેપારી ઝડપા

તા. 9 (પ્રતિનિધિ દ્વારા) : તાલુકાના દુર્ગાપુર ગામના એક નાના વિક્રેતાને ઝડપ્યા બાદ પોલીસદળે જિલ્લાસ્તરેથી હાથ ધરેલી કાર્યવાહીમાં માંડવીના હોલસેલર વેપારીને પણ ઝપટમાં લઇને કુલ રૂા. 1,86,325નો પાનમસાલા અને તમાકુને સંલગ્ન પ્રતિબંધિત સામગ્રીનો જથ્થો પકડી પાડયો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા બાતમીના આધારે હાથ ધરાયેલી આ કામગીરીમાં પહેલાં દુર્ગાપુર ગામેથી આમદ અદ્રેમાન શેખજાદાને પકડાયો હતો. આ ઇસમે પૂછતાછમાં તેણે જથ્થો માંડવી શહેરમાં લાકડા બજાર ખાતે કાર્યરત ઇરફાન અજીત ચાકીની જનતા ટ્રેડર્સ નામની દુકાનેથી લીધો હોવાની કેફિયત આપી હતી.’ સત્તાવાર સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે જનતા ટ્રેડર્સ નામની આ પેઢી વિમલ પાનમસાલા અને વિવિધ બ્રાન્ડની બીડીઓની એજન્સી ધરાવે છે અને હોલસેલ વેપાર કરે છે. આ પેઢીમાંથી પાનમસાલા અને તમાકુનો રૂા. 1,86,325નો જથ્થો કબજે લેવાયો હતો. કબજે કરાયેલો માલ ટેમ્પોમાં નાખીને પોલીસ મથકે લઇ જવાયો હતો.’ દરોડાની કાર્યવાહીમાં એલ.સી.બી. ઇન્સ્પેકટર શ્રી ગોંડલીયા અને ફોજદાર એસ.જી. રાણાના માર્ગદર્શન તળે સ્ટાફના’ વિજય રબારી, જયેન્દ્રાસિંહ જાડેજા, વિજય આહીર, દેવજી મહેશ્વરી, કુપાભાઇ ચૌધરી વગેરે જોડાયા હતા.’