ભુજ તાલુકા માં આહીરપટ્ટી વિસ્તારના હબાય ગામના સીમાડામાં પાસેપાસે આવેલી ત્રણ વાડીમાં ત્રાટકેલા તસ્કરોએ રૂા. 17 હજારથી વધુની કિંમતના કેબલ અને મોબાઇલ ફોનનો હાથ મારીને લોકડાઉન વચ્ચે પોતાનો કરતબ સફળ બનાવ્યો હતો. હબાયની સીમમાં આવેલી ગામના ખેડૂત દેવરાજ રાણા કેરાસિયા અને અન્ય બે કિસાનોની વાડીમાંથી ગુરુવારે રાત્રે 11 વાગ્યાથી શુક્રવાર સવારે સાત વાગ્યા દરમ્યાન ચોરીની આ ઘટના બની હતી. દેવરાજભાઇએ બનાવ બાબતે વિધિવત ફરિયાદ લખાવતા પદ્ધર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સહાયક ફોજદાર ઇન્દ્રસિંહ ઝાલાને કેસની તપાસ સોંપવામાં આવી છે. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ સબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ઘટનામાં ત્રણેય વાડીમાંથી બોર ઉપરનો રૂા. 11375ની કિંમતનો 325 ફ્|ટ કેબલ તથા રૂા. છ હજારની કિંમતના ત્રણ એન્ડ્રોઇડ ફોન મળી કુલ્લ રૂા. 17375ની કિંમતનો જથ્થો તફડાવી જવાયો હતો.