લોકડાઉન બંદોબસ્તની કપરી કાર્યવાહી વચ્ચે ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેકટર એમ.આર.બારોટ દ્વારા ગેરવર્તણૂક અને સત્તાનો દુરુપયોગ થવાની અનેકવિધ ફરિયાદોને લઇને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આ પોલીસ અધિકારી સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાની જિલ્લાના પોલીસદળને ભલામણ કરાઇ છે. ભુજ વિભાગના મદદનીશ કલેક્ટર અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એવા આઇ.એ.એસ.અધિકારી મનીષ ગુરવાણી દ્વારા આ મામલે એસ.પી.ને વિગતવારનો પત્ર લખી તેમને સમગ્ર સ્થિતિથી વાકેફ કરાયા છે. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ અધિકારીનું વર્તન પોલીસદળ માટે શોભારૂપ ન હોવાનું કહેતાં તેમની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાની હિમાયત કરાઇ હતી. મદદનીશ કલેક્ટરે આ પત્રમાં જણાવ્યું છે કે, પી.આઇ. બારોટ દ્વારા થતી ગેરવર્તણૂક અને સત્તાના દુરુપયોગ વિશે છેલ્લા કેટલાક સમયથી તેમની કચેરીને અનેકવિધ ફરિયાદો મળી છે. જેના કારણે સમગ્ર તંત્રને શરમની સ્થિતિમાં મુકાવું પડે તેવું છે. ભુજના શેલ્ટરહોમ ખાતે બેજવાબદારીભર્યા વર્તન સાથે હુકમ ન માનવા, ફરજ ઉપરના સરકારી સ્ટાફનાં વાહનો સામે ડિટેઇન સહિતની કાર્યવાહી ઉપરાંત પરપ્રાંતીય મજૂરોની ઘરવાપસી વેળાએ સત્તામર્યાદાથી બહાર જઇને મનસ્વી રીતે કાર્યવાહી કરવા સહિતના દાખલા મદદનીશ કલેક્ટરે આ પત્રમાં ટાંકયા હતા.’જિલ્લા સમાહર્તાના નેતૃત્વમાં વહીવટી અને પોલીસતંત્ર કોરોના સામે સંયુક્ત રીતે લડત આપી રહ્યા છે તેવા સમયે આવા અધિકારીની વર્તણૂક સમગ્ર પોલીસતંત્રને શરમજનક સ્થિતિમાં મૂકી દે છે તેમ જણાવી દળનું મોરલ જળવાઇ રહે તે માટે આ મામલે કડક શિક્ષાત્મક પગલાં લેવાની એસ.પી.ને ભલામણ કરાઇ હતી.’