જડસામાં ફાયરિંગમાં ઘાયલ યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો

ભચાઉ તાલુકાના જડસા ગામમાં સામાન્ય બાબતની તકરારમાં ફાયરિંગમાં ઘાયલ થયેલા યુવાનને કોરોના પોઝિટિવ આવતાં વાગડ પંથક સહિત કચ્છમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી છે. આ સાથે કચ્છમાં કોરોના પોઝિટિવ કેસનો આંક નવ પર પહોંચ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ ગઇકાલે સવારે જડસા ગામમાં પુલિયા પર બેસવાના મુદ્દે કાકાઇ ભાઇએ જ હરેશ માના કોળી ઉપર ફાયરિંગ કર્યું હતું. તેને સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલ લઇ આવ્યા બાદ તાકીદની સારવાર માટે અમદાવાદ ખસેડાવામાં આવ્યો હતો જ્યાં ગઇકાલે જ તેનો કોવિડ-19નો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજે મોડી સાંજે પોઝિટિવ આવ્યો હોવાનું જાહેર કરાયું હતું. આ બાબતને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે સમર્થન આપતાં જણાવ્યું હતું કે, સંભવત: જડસા ગામમાં મુંબઇથી ઘણા બધા લોકો વહેલા આવી ગયા છે. તેના સંપર્કમાં આવવાથી આ યુવાન સંક્રમિત થયો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. હાલમાં ગામમાં આરોગ્ય વિભાગની ટુકડીએ પહોંચી જઇ યુવાનના સીધા સંપર્કમાં આવેલા લોકોને શોધવાની કવાયત આદરી દીધી છે. વાગડનો પ્રથમ અને પૂર્વ કચ્છનો બીજો કેસ બહાર આવ્યો છે.