મુંબઈ. લોકડાઉન વચ્ચે મંગળવારે સાંજે મરીન ડ્રાઈવ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કફ પરેડની એક પ્રખ્યાત હોટેલ માલિકના પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજો ટીનેજર ગંભીર રીતે ઘાયલ છે.મરીન ડ્રાઈવ પર બીડી સોમાણી ચોક, એન એસ રોડ ખાતે મંગળવારે સાંજે 4.30 વાગ્યા દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. સિયાટ કાર એક ઊભેલી બસની પાછળથી જોરથી અથડાઈ હતી, જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.18 વર્ષીય આરેમન રાજેશ નાગપાલનું મોત થયુંતેમાં કારમાં બેઠેલા નેપિયન સી રોડના તાનિયા હાઈટ્સનો રહેવાસી 18 વર્ષીય આરેમન રાજેશ નાગપાલનું મોત થયું હતું, જ્યારે આ જ વિસ્તારની શાંતિનગર સોસાયટીમાં રહેતો શૌર્યસિંહ શરદ જૈન (19) ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને હરકિસનદાસ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આરેમન કફ પરેડ ખાતે આવેલી એક પ્રખ્યાત હોટેલના માલિકનો પુત્ર છે, જ્યારે શૌર્યસિંહનાં માતા- પિતા અને બહેન દુબઈમાં રહે છે, જ્યારે શૌર્યસિંહનાં દાદી પુષ્પાબેન શાંતિનગર સોસાયટીમાં રહે છે, જ્યાં શૌર્યસિંહ અવારનવાર આવજા કરતો રહે છે.