હળવદના માથક ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર મોરબી એલસીબી ત્રાટકીઃ૬ પકડાયાઃઅનય ફરાર ૧.૭૬ લાખની રોકડ સહિત ૧.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે

હળવદ,તા.૧૩: તાલુકાના માથક ગામની ઢોરાવાળી સીમમાં આવેલ વાડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે મોરબી જિલ્લા એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા જયારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો જેથી પોલીસ દ્વારા રૂપિયા ૧.૮૮ ૬૦૦નો મુદ્દામાલ લઈ સાત શખ્સો વિરુદ્ઘ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ લોકડાઉન ની પરિસ્થિતિ વચ્ચે દેશ આખો કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે અમુક પતા પ્રેમીઓને આવી પરિસ્થિતિ વચ્ચે પણ જુગાર રમવાનો ચસ્કો ઉતરતો નથી જેથી તેઓના આ ચસ્કાને જિલ્લા એલસીબી પોલીસે ભારે પાડી દીધો હતો. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામ ની ઢોરાવાળી સીમ વિસ્તારમાં કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ બાલાભાઈ સરૈયા પોતાની વાડીની ઓરડીમાં બહારથી લોકો બોલાવી જુગાર રમાડતા હોવાની ચોક્કસ બાતમી મોરબી એલસીબીને મળી હતી જેથી એલસીબી પોલીસ દ્વારા વાડીમાં દરોડો પાડતાં જુગાર રમતા સાત શખ્સો નજરે પડ્યા હતા જોકે એક નાસી છૂટવામાં સફળ રહ્યો છે સાથે છ શખ્સોને ઝડપી લેવાયા હતા જેમાં જુગાર રમતા આરોપીઓ કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ બલાભાઇ સરૈયા રહે માથક, અશોકભાઈ નરભેરામભાઈ પટેલ રહે દ્યુંટું,જયદીપભાઈ મનજીભાઈ કાલરીયા રહે મહેન્દ્રનગર,ભગવાનજીભાઈ હીરાભાઈ ભરવાડ રહે જુના જાંબુડીયા,નિલેશભાઈ મંગાભાઈ ભરવાડ રહે દ્યુંટું,રાકેશભાઈ મદનદાસ બાવાજી રહે લાલપર, અરજણભાઈ તેજાભાઈ ભરવાડ રહે રાતાભેર સહિત છ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબી પોલીસ દ્વારા ઘટના સ્થળે થી રોકડ રૂપિયા ૧,૭૬,૬૦૦ તથા ૬ મોબાઈલ કિંમત રૂપિયા ૧૨ હજાર મળી કુલ રૂપિયા ૧,૮૮,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા અને નાસી છુટેલ આરોપી વિરુદ્ઘ ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં મોરબી જિલ્લા એલ.સી.બી પોલીસના ચંદુભાઈ કાણોતરા,દશરથસિંહ પરમાર, ઇશ્વરભાઇ રબારી,યોગેશદાન ગઢવી, નીરવભાઈ મકવાણા , ચંદ્રકાંતભાઈ વામજા સહિતના જોડાયા હતા.