દક્ષિણ બાંગ્લાદેશના રોહિંગ્યા કેમ્પ્સમાં ભીષણ આગ લાગતા 330 જેટલી રાહત શિબિરો બળીને રાખ થઈ ગઈ હતી અને 10થી પણ વધારે લોકો ખરાબ રીતે ઘવાયા હતા. કુટુપાલાંગ રોહિંગ્યા શરણાર્થી શિબિરમાં એક ગેસ સિલિન્ડરની દુકાનમાં આગ લાગી હતી અને જોતજોતામાં તે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. અગ્નિશામક દળના કર્મચારીઓએ જણાવ્યું કે, તે વિસ્તારમાં તમામ શિબિરો વાંસ અને તાડપત્રી વડે બનાવાયેલી હતી જેમાં લોકોના ઘર અને દુકાનો પણ હતી. આ કારણે જ સિલિન્ડરની દુકાનમાં આગ લાગતા તે ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને આજુબાજુના 330થી વધારે ઘરો-દુકાનો તેમાં સંપૂર્ણપણે સ્વાહા થઈ ગયા હતા. તે સિવાય આવા જ 300થી વધારે અસ્થાયી ઘર અને કેમ્પ્સને ભારે નુકસાન પહોંચ્યું છે. વિશ્વની સૌથી મોટી શરણાર્થી શિબિરો પૈકીની એક કુટુપાલાંગ ઢાકાના કોક્સ બજાર વિસ્તારમાં આવેલી છે અને 10 લાખથી પણ વધારે રોહિંગ્યા શરણાર્થીઓ ત્યાં વસવાટ કરે છે.બાંગ્લાદેશના ડેપ્યુટી રેફ્યુજી કમિશનર શમસુદ ડૌજાએ સ્થાનિક હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી હોવાની અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘાયલો ઉપરાંત આગથી પ્રભાવિત તમામ રોહિંગ્યાઓની સંભવિત મદદ કરી રહી હોવાની માહિતી આપી હતી. 2017માં મ્યાંમારના રખાઈન પ્રાંતમાં સૈનિકોના અત્યાચાર બાદ આશરે 7.5 લાખ રોહિંગ્યાઓએ પલાયન કર્યું હતું અને કોક્સ બજારમાં તેમના માટે શરણાર્થી શિબિરો બનાવવામાં આવી હતી. હાલ ત્યાંની વસ્તી 10 લાખથી વધારેની થઈ ગઈ છે.સ્થાનિક પ્રશાસન અને સરકારે અગાઉથી જ આ વિસ્તારમાં આ પ્રકારની દુર્ઘટના બની શકે છે તેવી આગાહી કરી હતી. 2018માં પણ આ પ્રકારની ભયાનક આગે એક મહિલા અને ત્રણ બાળકોનો ભોગ લીધો હતો.